પાલનપુર: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીની ધરા પરથી અવિરત વિકાસકાર્યોની ધજા લહેરાવી હતી. શુક્રવારે એક દિવસની મુલાકાતે આવેલા વડા પ્રધાને સરકારના રૂ. 4731 કરોડ તેમજ રાજ્ય સરકારના રૂ. 2177 કરોડ મળીને કુલ રૂ. 6909 કરોડના વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરીને વિકાસ કાર્યોની ભેટ વરસાવી હતી. જેમાં તારંગા હિલ-અંબાજી-આબુ રેલવે લાઈનનું ખાતમુહૂર્ત, 8633 આવાસોનું ખાતમુહૂર્ત અને 53,172 આવાસોના લોકાર્પણનો પણ સમાવેશ થાય છે.
ગુજરાતના સુરતથી શરૂ થયેલો વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બે દિવસનો આખરી પડાવ યાત્રાધામ અંબાજીમાં પૂર્ણ થયો છે. તેમણે અંબાજીમાં ભવ્ય રોડ શો કર્યો હતો. કરોડો રૂપિયાના વિકાસ કામો ખુલ્લાં મૂક્યા હતા અને માતાજીના ધામમાં દર્શન અને મહાઆરતીનો લાભ લીધો હતો. મોદીએ અંબાજી માતાના મંદિરમાં પૂજા અને દર્શન કર્યાં હતાં. ત્યારબાદ તેમણે ગબ્બર ખાતે મહાઆરતી કરી હતી. યાત્રાધામમાં પણ તેમણે પ્રસાદ યોજના હેઠળ ભાવિકોની સુવિધા માટે રૂ. 53 કરોડના ખર્ચે વિવિધ કાર્યોનું ભૂમિપૂજન કર્યું છે.
સભામાં બનાસકાંઠાની વિકાસયાત્રાનું વિઝન રજૂ કરતા મોદીએ કહ્યું કે, છેલ્લા બે દાયકા સતત પ્રયાસોને કારણે બનાસકાંઠાનું ચિત્ર ખૂબ બદલાયં છે. આ પરિસ્થિતિ બદલવામાં નર્મદાના નીર, સુજલામ સુફલામ અને ટપક સિંચાઈએ મોટી ભૂમિકા ભજવી છે. એટલું જ નહીં, આગામી સમયમાં ધરોઈ ડેમથી લઈ અંબાજી સુધીનો સમગ્ર બેલ્ટ વિકસિત કરવાનો સરકારે સંકલ્પ કર્યો છે. આવનારા દિવસોમાં અંબાજી આવતા પ્રવાસીઓને અહીં બે ત્રણ દિવસ રોકાવું પડે તેટલા વિકાસ કાર્યો હાથ ધરવા છે, અંબાજી આવતા દર્શનાર્થીઓ પર્યટકોને સ્ટેચ્યૂ ઓફ યુનિટીની જેમ આ પંથકમાં ફરવું પડે તેવો યાત્રાધામનો વિકાસ કરવો છે. આગામી સમયમાં અહીં વિશેષ કિસાન રેલ પણ ચાલશે.
તારંગા હિલ-અંબાજી-આબુ રેલવે લાઈનનું કામ પણ મા અંબાએ મારા ભાગ્યમાં લખ્યું હશે તેમ કહીને મોદીએ જણાવ્યું હતું કે આ પરિયોજનાની જરૂરત કેટલી છે એ અંગ્રેજો પણ જાણતા હતા. 100 વર્ષ પહેલા અંગ્રેજોએ તેની ડિઝાઈન તૈયાર કરીને આ વિસ્તારમાં રેલલાઈન બનાવવાનો નિર્ણય લીધો હતો. ગુજરાત મુખ્યમંત્રી પદ પર બેસીને આ રેલ લાઈન માટે ખૂબ વિનંતી કરી હોવા છતાં તેને મંજૂર કરવામાં આવી નહોતી. હવે આ રેલ લાઈન અને અંબાજી બાયપાસ બનવાથી ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ તો આવશે જ, સાથોસાથ મારબલ, ડેરી સહિતના બનાસકાંઠા અને આસપાસના તમાં ઉદ્યોગોને પણ વેગ મળશે.
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ દેશભરના 3 કરોડ લાભાર્થીઓને ઘર આપવામાં આવ્યા છે તેમજ ગુજરાતમાં પણ દોઢ લાખ આવાસો લાભાર્થીઓને ફાળવાયા છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને તેમણે અભિનંદન પાઠવ્યા હતા.
સરકારની અનેક યોજનાના કેન્દ્રસ્થાને નારીશક્તિ
વડા પ્રધાન મોદીએ અંબાજીમાં માતૃશક્તિ અંગે જણાવ્યું હતું કે ભારત સરકારની અનેક યોજનાઓમાં નારીશક્તિ કેન્દ્રસ્થાને રહેલી છે. હું અંબાજીના ધામમાં આવ્યો છું ત્યારે મને લાગે છે કે એક નવી ઊર્જા, શક્તિ અને પ્રેરણા મળે છે. આ શક્તિથી આપણે દેશને આવનારા 25 વર્ષમાં વિક્સિત રાષ્ટ્ર બનાવી શકીશું. તેમણે કહ્યું કે, ટોયલેટ હોય, ગેસ કનેક્શન હોય, પ્રત્યેક ઘરમાં જલ સે નલ હોય, જનધન ખાતા હોય, મુદ્રા યોજના હેઠળ મળતી ગેરન્ટીનું ઋણ હોય, ભારત સરકારની પ્રત્યેક યોજનામાં કેન્દ્રમાં દેશની નારીશક્તિ છે.
મોદીએ નારીશક્તિ અને નારીસન્માન અંગે અર્જુન, શ્રીકૃષ્ણ અને હનુમાનજીનું ઉદાહરણ આપતાં કહ્યું કે તેઓ માતાના નામથી ઓળખાય છે. ભારતમાં આપણે ત્યાં વીરપુરુષો સાથે માતાનું નામ જોડાયેલું છે. અમે પ્રધાનમંત્રી આવાસ યોજના માતાના નામ પર આપીએ છીએ. મોદીએ કહ્યું હતું કે આ વખતે હું એવા સમયે આવ્યો છું કે જ્યારે વિક્સિત દેશના વિરાટનો સંકલ્પ ભારતે લીધો છે. અંબાજી માતાના આશીર્વાદથી તે ફળિભૂત થશે. આપણા સંસ્કાર છે કે ભારત દેશને માતાના રૂપમાં જોઈએ છીએ. આપણે માનીએ છીએ કે ભારત માતાના સંતાન છીએ. વડાપ્રધાને હાતાવાડાથી અંબાજી સુધી રોડ શો કર્યો હતો અને ચીખલામાં જનસભા સંબોધી હતી.
રૂ. 500 કરોડની ગૌમાતા પોષણ યોજનાનો પ્રારંભ
અંબાજીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મુખ્યમંત્રી ગૌ-માતા પોષણ યોજનાનો આરંભ થયો હતો. રૂ. 500 કરોડની આ યોજના અંતર્ગત ચાર ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકોને સહાયકના પ્રતીક ચેકનું વિતરણ વડા પ્રધાનના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જણાવ્યું કે આપણી સનાતન સંસ્કૃતિમાં ગૌ-ગંગા-ગાયત્રી અને ગીતાનો મહિમા ગવાયો છે. તેને ઉજાગર કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સંસ્કૃતિમાં માતાનું સ્થાન ધરાવતી ગાય અને ગૌવંશના નિભાવ માટે મહત્ત્વપૂર્ણ એવી યોજનાનો કરાવીને ગૌમાતા અને ગૌવંશ પ્રત્યેની તેમની આગવી સંવેદનાનો પરિચય કરાવ્યો છે.
વિનામૂલ્યે રાશન યોજના ૩ મહિના લંબાવાઇ
વડા પ્રધાને કહ્યું હતું કે તહેવારોના સમયમાં ગરીબ પરિવારની બહેનો તેમની રસોઈ કામમાં કોઈ સમસ્યાનો સામનો નહીં કરે, કેમ કે સરકારે વિનામૂલ્યે રાશનની યોજનાને આગળ વધારી શકે છે. મુશ્કેલ સમયમાં દેશના 80 કરોડ લોકોને રાહત આપતી આ યોજના પાછળ કેન્દ્ર સરકાર ચાર લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરી રહી છે. આ યોજનાને વધુ ત્રણ મહિના સુધી લંબાવાઈ છે. જેમણે જિંદગી ઝૂંપડામાં કાઢી હોય તેમને પાકા ઘરમાં દિવાળી ઊજવવાની ખુશી થાય છે. આજે 45 હજાર કરતાં વધુ આવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારે ગયા વર્ષે દોઢ લાખ આવાસ બનાવ્યાં છે.