અમદાવાદઃ લોકડાઉનની સ્થિતિમાં જરૂરરિયાતમંદ લોકો સુધી અનાજની કીટ પહોંચતી ન હોવા અંગેના સમાચાર પ્રસિદ્ધ કરનાર બનાસકાંઠાના પત્રકારને વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ધમકી આપી હોવાની એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ છે.
ઓડિયોમાં ધારાસભ્ય મેવાણી પત્રકારને ધમકી આપતાં સૂરમાં કહેતા સંભળાય છે કે, મારી જોડે હલકટગીરી કરવામાં ધ્યાન રાખજે... હું શું કરીશ તેનો તને અંદાજ નહીં હોય. જિજ્ઞેશ મેવાણીના આવા ઉદ્વત નિવેદનથી ભારે રોષ ફેલાયો છે.
ઓડિયોની સાથોસાથ બનાસકાંઠાના પત્રકાર પ્રદીપ પરમારે એક વીડિયો શેર કરીને જણાવ્યું છે કે, હાલમાં જરૂરિયાતમંદ લોકોને ધારાસભ્ય દ્વારા રાશનની કીટ વિતરણ કરવામાં આવી રહી હતી. જેમાં તેમના જ ગામ ફતેગઢના કુલ સાત જણના લિસ્ટમાં નામ હતા. જેમાંથી એક વ્યક્તિને કીટ મળી નહોતી અને એક નામ એવું હતું કે જે નામની કોઈ વ્યકિત ગામમાં રહેતી જ નથી.
આ અંગે ધારાસભ્ય મેવાણીનું ધ્યાન દોરવા સમાચાર પ્રસિદ્ધ કર્યાં હતાં કે રાશનની કીટો વચેટિયા ચાંઉ કરી જાય છે.
જોકે સમાચારના આધારે તપાસ કરવાના બદલે ધારાસભ્ય મેવાણીએ પત્રકારને ધમકાવ્યો હોવાનું જણાવ્યું હતું. વાતચીતમાં મેવાણીએ અભદ્ર શબ્દનો પ્રયોગ પણ કર્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.