ગાંધીનગરઃ ‘મારૂ ગામ કોરોના મુક્ત ગામ’ અભિયાન વચ્ચે સરપંચો પછી ભાજપના નેતાએ જ હોસ્પિટલની લાઈનમાં ૩૦ જણાંએ જીવ ખોયાનું સ્વિકાર્યુ છે. કમળછાપ લેટરપેડ ઉપર લખીને શનિવારે જાહેર પણ કર્યુ છે. સ્વજન ગુમાવ્યાની વેદના વચ્ચે હિંમતનગર સિવિલમાં ટેસ્ટિંગ માટે આવેલા સાબરકાંઠા SC મોરચા પ્રમુખ નરેશ પરમારને પાંચ દિવસથી રેપિડ એન્ટીજન ટેસ્ટની કિટ ન આવ્યાનો જવાબ મળ્યો, ગરીબ દર્દીઓની સારવાર માટે પોતે કંઈ જ કરી શક્યા ન હોવાથી હૈયાવરાળ ઠાલવતા આ પદાધિકારીએ ભાજપમાંથી જ રાજીનામુ આપ્યું છે.
બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ચાર ગામમાં ૩૦ દિવસમાં ૧૬૦થી વધુ મોત થયા છે. જો કે, ટેસ્ટિંગના અભાવે સચોટ વિગતો બહાર આવી નથી. આરોગ્ય કેન્દ્રોમાં કોરોનાના ટેસ્ટ થતા પણ નથી અને ડરના માર્યા નાગરીકો નિદાન માટે બહાર આવતા પણ નથી. કોરોનાના ઉપચાર માટે ફેબિફ્લુ દવા પણ નથી. ખિમાણામાં આગેવાન ઈશ્વરભાઈ દેસાઈએ પોતાના ગામમાં ૩૨ દિવસમાં ૩૫ના મોત થયાનું જણાવ્યું હતુ. નજીકમાં આવેલા આકોલીના સરપંચે કહ્યુ કે અમારા ગામમાં આભ ફાટયા જેવુ થયુ છે. એક જ અઠવાડિયામાં મહારાજવાસમાં ૧૫ અને ઠાકોરવાસમાં ૧૬ એમ ૩૧ ભાઈઓ- બહેનો ગુજરી ગયા છે.
ભાજપના નેતાએ રાજીનામા પત્રમાં સિવિલમાં ફેબિફ્લુ ટેબલેટ, રેમડેસિવિર, વેન્ટીલેટર પણ ન હોવાનો ભાંડો ફોડયો છે. સરકાર નિષ્ફળ રહ્યાનું કહેતા ચારથી પાંચ દિવસમાં ૨૫થી ૨૦ દર્દીઓ લાઈનમાં જ મૃત્યુ પામ્યાનો વલોપાત પણ ઠાલવ્યો છે. હિંમતનગર સિવિલ જ જેવી સ્થિતિ અધિકાંશ ગ્રામિણ ક્ષેત્રોની છે. કોવિડ કેર સેન્ટરોમાં દવાઓ નથી. આરોગ્ય કેન્દ્રોમાં ટેસ્ટીંગ કિટ પણ નથી.