રતનપુરા સ્વામીનારાયણ મંદિરના પટાંગણમાં યોજાયેલા જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળાના કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં પોતાનું નામ નહીં હોવાના મુદ્દે ઉશ્કેરાયેલા ધારાસભ્ય જયંત બોસ્કીએ અધિકારીઓને ગંદી ગાળો બોલીને એક વ્યક્તિને લાફા મારી દીધા હતા. આ પ્રકરણમાં ઉમરેઠ પોલીસે જયંત બોસ્કી, અરુણ પટેલ, મિલન વ્યાસ, લાલા વ્યાસ વગેરે સામે ફરિયાદ નોંધી પાંચમીએ મોડી રાત્રે ધારાસભ્ય સહિતનાં આરોપીઓની ધરપકડ કરી હતી.
• જાલી પાસપોર્ટથી કેનેડા જતાં ત્રણની ધરપકડઃ અમદાવાદ એરપોર્ટ પરથી બીજી ઓક્ટોબરે કેનેડા જતા વિજાપુરના પામોલ ગામના સંજય ઈશ્વરભાઈ ચૌધરી (૩૧), સંગીતાબહેન સંજયભાઈ ચૌધરી (૩૦) અને જલ્પા દિનેશભાઈ પટેલ (૩૧)ને ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટે પોલીસને સોંપ્યા હતા. ત્રણેય ખોટાં નામ ધારણ કરીને કેનેડા જઈ રહ્યા હતા. ઇમિગ્રેશન વિભાગને ત્રણેય પર શંકા પડતાં તેમની પૂછપરછ કરતાં ત્રણેય ભાંગી પડ્યા અને જાલી પાસપોર્ટ પર કેનેડા જતાં હોવાનું જણાવ્યું હતું.