• રૂ. ૫૦૦ની નોટથી રાશન ન મળતાં મૃત્યુ

Wednesday 16th November 2016 07:14 EST
 

 રાપર તાલુકાના રામવાવ ખાતે મંદિરની સેવા-પૂજા કરી ગુજરાન ચલાવતા ૬૦ વર્ષીય વૃદ્ધ પૂજારી જ્ઞાનગિરિ સંતોષગિરિ ગોસ્વામીએ ઉધાર લીધેલી ૫૦૦ની નોટ રાશન લેવામાં ન ચાલતાં તેમનો તેમને કારમો આઘાત લાગ્યો હતો. પરિણામે હૃદય બંધ પડી જતાં તેમનું કરુણ મૃત્યુ થયું હતું. રામવાવાના ખુશાલ પર્વત મંદિરે ૩૦ વર્ષથી તેઓ સેવા-પૂજા કરતા હતા.
• અલગ અલગ માર્ગ અકસ્માતમાં બેનો ભોગઃ ગાંધીધામમાં ઓસ્લો સર્કલ પાસે પૂર ઝડપે દોડતી કાર હડફેટે ૩૩ વર્ષીય યુવાન સંજય અમૃતલાલ પટેલ આવી જતાં તાત્કાલિક હોસ્પિટલે ખસેડાયા બાદ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. ૧૩મી નવેમ્બરે જ નખત્રાણા તાલુકાના આણંદપર નજીક બાઈક સ્લીપ થતાં ચંદુ કાનજી પટેલનું પણ ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.
• રાધનપુરમાં રૂ. ૧૨ કરોડના વિકાસકામોઃ રાધનપુર નગરપાલિકાના ઈન્ચાર્જ પ્રમુખ અરવિંદભાઈ તન્નાએ વિસ્તાર માટે વર્ષ ૨૦૧૨થી જમા ૧૨.૩૦ કરોડની ગ્રાન્ટને વિકાસના કામો માટેની મંજૂરીની દરખાસ્ત રાજ્ય સરકાર પાસે મૂકી હતી. જે અંગે લીલી ઝંડી મળતાં રાધનપુર અને તેની આજુબાજુના ગામને જોડતાં રસ્તાઓ અને વરસાદી પાણીના નિકાલ માટેની ગટરોનું કામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.
• કાત્યોકના મેળામાં દિલચશ્પ ઊંટદોડ હરીફાઈઃ સિદ્ધપુરમાં પરંપરાગત કાત્યોકના મેળાના આરંભે ૧૨મીએ નદીના પટમાં ઊંટદોડ અને શૃંગાર સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં દોડમાં ૧૨ જ્યારે શૃંગારમાં ત્રણ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ઊંટદોડમાં મેસરના યુવાનને અને શૃંગારમાં વનાસણ અને મેસર વિજેતાઓને અનુક્રમે રૂ. ૭૫૦૦, રૂ. ૫૦૦૦ અને રૂ. ૨૫૦૦ના ઇનામના ચેક આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter