મહેસાણાઃ ઉત્તર ગુજરાતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણ સભાઓ પછી ચૂંટણી પ્રચારમાં ગરમાવો આવી ગયો છે. આ ત્રણેય સભા જિલ્લા મથકો મહેસાણા, પાલનપુર અને મોડાસામાં થઈ છે. ઉત્તર ગુજરાતની કુલ 27 બેઠકોમાંથી 15 બેઠકો કોંગ્રેસ પાસે જ્યારે 12 બેઠકો ભાજપ પાસે છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હજુ પણ પ્રચારમાં શહેરી વિસ્તાર કરતાં ગ્રામ્ય વિસ્તારને વિશેષ મહત્ત્વ આપી રહ્યા છે. 2017માં પાટીદાર અનામત આંદોલન અને ક્ષત્રિય-ઠાકોર સેનાના કારણે ભાજપને ઉત્તર ગુજરાતમાં ઘણી બધી બેઠકો ગુમાવવી પડી હતી. 2022માં આવો કોઈ મુદ્દો નથી એટલે 27માંથી 14 બેઠકો પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે આરપારની લડાઈ જોવા મળે છે.
જોકે સૌથી વધુ રસાકસી બનાસકાંઠાની 6 બેઠકો પર છે. અત્યારે આ તમામ બેઠકો કોંગ્રેસ પાસે છે. સાબરકાંઠામાં બે બેઠકો પર ભાજપની લીડ વધી શકે છે. હિંમતનગર બેઠક અત્યારે ભાજપને ગુમાવવી પડે એવી સ્થિતિ અત્યારે તો દેખાઈ રહી છે. કોંગ્રેસના ગઢ ખેડબ્રહ્મામાં ભાજપ આ વખતે ગાબડું પાડી દે એવી સ્થિતિ છે.
ભાજપના ગઢ મહેસાણા જિલ્લામાં 7માંથી 4 બેઠકો પર ભાજપની લીડ વધશે. વિસનગર બેઠક પણ પાતળી સરસાઇથી ભાજપ જીતી શકે છે. જોકે ખેરાલુ બેઠક ભાજપને ગુમાવી પડે એવી સ્થિતિ છે. વિજાપુર બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસી છે. અરવલ્લીની ત્રણેય બેઠક પર પણ ખેંચતાણ જામી છે. બાયડ બેઠક ભાજપ આ વખતે કોંગ્રેસ પાસેથી આંચકી શકે છે.
ભીલોડામાં ભાજપ માટે તક
અરવલ્લીમાં ભિલોડા બેઠક પર ભારે રસાકસી છતાં ભાજપ ખાતું ખોલી શકે છે. બાયડ બેઠક પર અપક્ષ ધવલસિંહ ઝાલા અને ‘આપ’ના ચુનીભાઈ પટેલના કારણે ભાજપ-કોંગ્રેસ બંનેનાં ગણિત બગડી ગયા છે. શંકરસિંહ વાઘેલાના પુત્રને ટિકિટ આપવાનો સ્થાનિક કોંગ્રેસમાં વિરોધ છે, તો વર્ષો પછી ભાજપે ભીખીબેન પરમારને ટિકિટ આપતાં ત્યાં પણ નારાજગી છે. મોડાસામાં કોંગ્રેસ પાતળી સરસાઇથી જીતી હતી.
બનાસકાંઠામાં કોંગ્રેસનો દબદબો જળવાશે?
બનાસકાંઠામાં 2017માં ક્ષત્રિય-ઠાકોર સેનાના પ્રભાવના કારણે કોંગેસે 9માંથી 7 બેઠકો જીતી હતી. ભાજપને ડીસા અને કાંકરેજ બેઠક જ મળી હતી. ધાનેરા બેઠક પર અપક્ષ લડી રહી રહેલા માવજી દેસાઈના કારણે અહીં ભાજપ અત્યારે ત્રીજા નંબરે ચાલી રહ્યો હોય તેવું દેખાય છે. વાવમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર ઠાકોર સમાજના હોવાથી વોટ વહેંચાઈ જવાથી રસાકસી રહેશે. પાલનપુરમાં ભાજપનો ઉમેદવાર નવો અને કોંગ્રેસના રિપીટ ઉમેદવાર હોવાથી રસાકસી છે. દાંતા બેઠક કોંગ્રેસ આ વખતે પણ જાળવી રાખશે તેવું લાગે છે.
હિંમતનગરમાં ભાજપને નારાજગી નડી શકે
હિંમતનગરમાં તલોદના વી.ડી. ઝાલાને ટિકિટ અપાતાં અન્ય સમાજોના વિરોધના કારણે અત્યારે કોંગ્રેસ આગળ દેખાઈ રહી છે. ઈડર અને પ્રાંતિજ બેઠકમાં ભાજપ સામે કોઈ પડકાર નથી. ખેડબ્રહ્મામાં ભાજપ આ બેઠક પર ખાતું ખોલાવી શકે છે.
મહેસાણા ભાજપનો ગઢ સચવાશે
મહેસાણા, ઊંઝા, કડી, બેચરાજી બેઠક પર આ વખતે ભાજપ સહેલાઈથી જીત મેળવી લેશે તેવું ચિત્ર સ્પષ્ટ ઉપસે છે. માત્ર વિજય જ નહીં, આ બેઠકો પર સરસાઇ પણ વધે તો નવાઇ નહીં. વિસનગર બેઠક પર આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ફરી એક વખત પાતળી સરસાઇથી જીતી શકે છે. આમ તો મતદારોમાં તેમની સામે નારાજગી પ્રવર્તે છે, પરંતુ લોકો તેમના કામ કરતાં ભાજપના નામને વિશેષ પ્રાધાન્ય આપશે અને આ બાબત જ તેમને વિજયપંથે દોરી જશે.
પાટણમાં બે બેઠકો પર ભારે રસાકસી
પાટણ બેઠક પર કોંગ્રેસના કિરીટ પટેલને સ્થાનિક હોવાનો ફરી એક વખત ફાયદો મળશે તેમાં બેમત નથી. બીજી તરફ, આંતરિક વિરોધ છતાં ડીસાના રાજુલબેન દેસાઈને ટિકિટ અપાતાં ભાજપ આ બેઠક ફરી ગુમાવે તેવું જોખમ છે. ચાણસ્મા-હારિજમાં દિલીપ ઠાકોર ફરી એક વખત જીત મેળવી શકે છે.