ઊંઝામાં લક્ષચંડીનું આયોજનઃ લાકડાના ઘર્ષણથી યજ્ઞની જ્યોત પ્રગટાવાશે

Wednesday 04th December 2019 05:57 EST
 
 

અમદાવાદઃ વિશ્વમાં વસતા કડવા પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતા મંદિર ઊંઝા દ્વારા દશાબ્દિ મહોત્સવ દરમિયાન ૧૮ ડિસેમ્બરે લક્ષચંડી હવન કરાશે. જેમાં ખાસ યજમાન સહિત સમગ્ર વિશ્વમાં રહેતા પાટીદાર સમાજના લોકોને ઊંઝા આવશે. ઊંઝામાં ૧૮થી ૨૨ ડિસેમ્બર દરમિયાન ૮૦૦ વીઘા જમીનમાં યોજાનારા મહાયજ્ઞમાં ૧૦ લાખ ભક્તો આવશે. ખાસ વાત એ છે કે, યજ્ઞની જ્યોત લાકડાના ઘર્ષણથી પ્રગટાવાશે. ૩૦૦ વીઘામાં ૮૦ ફૂટ જેટલી યજ્ઞ શાળા, બાળ નગરી, સાંસ્કૃતિક કાર્યકમો, સાત્ત્વિક ભોજન પ્રસાદ, વિવિધ થીમ આધારિત એક્ઝિબિશન, પાર્કિંગ, વીઆઇપી પાર્કિંગ, મીડિયા અને માર્ગદર્શન સહાયતા કેન્દ્ર તાત્કાલિક સારવાર માટે મેડિકલ સેન્ટર ઊભું કરાશે.
મહાયજ્ઞમાં ઘર દીઠ દીવો અને ૧૧ હજાર પાટલા
યજ્ઞમાં ૭૫ હજાર ટન કાષ્ટ, ૩૨૦૦ કિલો ઘી વપરાશે. યજ્ઞની શરૂઆત પહેલાં પહેલી ડિસેમ્બરથી ૧૬ દિવસ સુધી ૧૧૦૦ બ્રાહ્મણો દ્વારા દુર્ગા સપ્તસતીના ૭૦૦ શ્લોકથી એક લાખ ચંડી પાઠનું પઠન કરવામાં આવશે. ૧૦ હજાર પાઠની શાસ્ત્રોક્ત વિધિથી મહાયજ્ઞમાં આહુતિ આપવામાં આવશે. લક્ષચંડી મહાયજ્ઞની યજ્ઞશાળામાં ૩ હજાર ૫૦૦ વ્યક્તિઓ એક સાથે બેસી શકે તેવો વિશાળ યજ્ઞ મંડપ તૈયાર કરવામાં આવ્યો છે. યજ્ઞમાં ૭૫ હજાર કિલો કાષ્ટ, ૩૨૦૦ કિલો ઘી ૧૫ મેટ્રિક ટન છાણાં અને હજારો કિલો તલ, ડાંગર, વિવિધ દ્રવ્યોનો ઉપયોગ થશે.
લક્ષચંડીમાં ઉછામણીના ૬૫ કરોડ એકત્રિત થયા
ઊંઝામાં યોજાનારા લક્ષચંડી હવન માટે ઉછામણીમાં ૬૫ કરોડ રૂપિયાની રકમ એકઠી કરી લેવામાં આવી છે, જેમાં યજ્ઞશાળાના દંડક મામલે ૩૩,૩૩,૩૩૩ ઊંઝાના કાશીરામ પટેલ બોલી બોલ્યા હતા. યજ્ઞના મુખ્ય યજમાન મોરબીના ગોવિંદ વરમોરા ૪,૨૫૫,૫૦૧ બોલી બોલ્યા હતા. જ્યારે અમદાવાદના મેહુલ પટેલ બીજા કુંડના ૧,૧૧,૧૧,૧૧૧ બોલી બોલ્યા હતા. મા ઉમિયાના ધામમાં ૧૮થી ૨૨ ડિસેમ્બર દરમિયાન યોજાનારા લક્ષચંડી મહાયજ્ઞ ધર્મોત્સવના પ્રથમ ચરણમાં રવિવારે ભવ્ય શોભાયાત્રા જોડાઇ હતી. જેમાં ૫૧૦૦ મહિલાઓ માથે જ્વારા સાથે, કર્મકાંડી ભૂદેવો સહિત મોટી સંખ્યામાં પાટીદારો જોડાયા હતા. શોભાયાત્રા લક્ષચંડી સપ્તસતી પઠન સ્થળ ઉમિયા બાગે પહોંચી હતી. અહીં ૧૭ ડિસેમ્બર સુધી ઉમિયા માની અખંડ જ્યોતની સાક્ષીમાં ૧૧૦૦ બ્રાહ્યણો ૭૦૦ શ્લોકના દુર્ગા સપ્તસતીના એક લાખ પાઠની પારાયણ કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter