સાપુતારા: સુરતનો રાઠોડ પરિવાર ખાનગી લકઝરી બસમાં રવિવારે વહેલી સવારે શિરડીમાં સાંઇબાબાના દર્શને જઈ રહ્યો હતો ત્યારે લગભગ ૬.૩૦ વાગ્યાના અરસામાં માલેગાંવ-સાપુતારા ઘાટ માર્ગ પર યુ ટર્ન લેવા જતાં બસ અચાનક જ અટકી જઈ રિવર્સ ધસી ગઈ હતી. આગળ ઢાળ સાથે ૨૦૦ ફૂટ ઊંડી ખીણ હતી. જોકે, આ દરમિયાન બસ એક વૃક્ષને કારણે ઊંધી થઈને અટકી ગઈ હતી. બસમાં કુલ ૭૦ જેટલા સભ્યો હતાં, જેમાં વીસેક જણા તરત જ ઉતરી ગયા હતા અને ૧૦ બાળકો તથા મહિલાઓ સહિતના બાકીના ૫૦ સભ્યો બાદમાં જેમ તેમ કરીને બસમાંથી બહાર નીકળ્યા હતા. આમ, એક વૃક્ષે ૭૦ જિંદગી બચાવી હતી. આ ઘટનાથી હેબતાઈ ગયેલા પરિવારના સભ્યોએ સ્થળ પર જ કુદરતનો આભાર માન્યો હતો અને વૃક્ષો વાવવા માટે નિર્ધાર કર્યો હતો. ‘વૃક્ષ એ જીવન છે’ આ ઉક્તિ ખરા અર્થમાં સુરતીઓ માટે ચરિતાર્થ થઈ હતી.