અમદાવાદઃ સૌરાષ્ટ્રના હળવદના માથક ગામમાં જન્મેલા અને વર્ષોથી કેન્યામાં સ્થાયી થયેલા નરેન્દ્ર રાવલની કેન્યાની પ્રતિષ્ઠિત એગર્ટન યુનિર્વિસટીના વાઈસ ચાન્સલેર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ સિદ્વિ મેળવનાર તેઓ પ્રથમ ગુજરાતી છે. કેન્યાના સ્ટીલ ટાયકુન નરેન્દ્ર રાવલને ગુરુ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કોલેજમાં અંદાજે ૨૪ હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
વિશ્વમાં જાતમહેનતથી સિદ્ધિના શીખરો સર કરીને ભારતનું નામ રોશન કરનારા મહાનુભાવોમાં નરેન્દ્ર રાવલ મોખરાનું સ્થાન ધરાવે છે. જેઓ એક સમયે હળવદમાં મંદિરમાં કામ કરતા હતા અને મંદિરની બહાર પણ સૂઈ જતા હતા તેઓ આજે કેન્યાના જાણીતા બિઝનેસમેન છે અને તેમની નેટવર્થ ૪૦૦૦ કરોડ રૂપિયા હોવાનું મનાય છે. એટલું જ નહીં, આફ્રિકામાં વસતાં ધનાઢયોના ‘ફોર્બ્સ’ લિસ્ટમાં પણ તેઓ સ્થાન ધરાવે છે.
પોતાના સંઘર્ષના દિવસો યાદ કરતાં નરેન્દ્ર રાવલ કહે છે કે, ‘પિતાની સ્પેરપાર્ટસની દુકાન હતી. પહેલી વાર ૧૨ વર્ષની ઉંમરે દિવાળી પર ફટાકડાની દુકાન લગાવીને ૬ હજારની કમાણી કરી હતી અને ત્યારથી બિઝનેસનો ચસ્કો લાગ્યો હતો. બાદમાં નાના-મોટા બિઝનેસ પણ કર્યા હતા.’ આજે તેઓ કેન્યામાં અનેક સ્ટીલ મિલના માલિક છે. ઇથિયોપિયા, યુગાન્ડા અને કોંગોમાં સ્ટીલ ફેકટરીઓ ધરાવે છે. આ કંપનીઓથી આફ્રિકાના ૪૦૦૦થી વધુ લોકોને રોજગારી મળે છે. તેમની કંપની વાર્ષિક ૭.૫ લાખ ટન સ્ટિલનું પ્રોડક્શન કરે છે. નરેન્દ્ર રાવલ સમાજ કલ્યાણના કાર્યો માટે પણ જાણીતા છે. કેન્યામાં ગરીબ બાળકો માટે વિનામૂલ્યે શિક્ષણ, પાણીની સુવિધા જેવા કામો પણ કરે છે. ૨૦૦૭માં તેમને કેન્યાના પ્રેસિડન્ટ એવોર્ડથી પણ સન્માનિત કરાયા હતા. ૨૦૧૨માં બ્રિટનમાં ફિલાન્થ્રોપી એવોર્ડથી પણ તેમનું સન્માન થયું હતું.