સુરતઃ ડાયમંડ કંપની યુરોસ્ટારની એન્ટવર્પમાં નાદારી પ્રક્રિયા શરૂ થઈ છે. યુરોસ્ટાર પર ચાર બેંકો તથા અન્યોનું મળીને રૂ. ૩૫૦૦ કરોડ (૫૦૦ મિલિયન ડોલર)થી વધુનું દેવું છે. વર્ષોથી એન્ટવર્પ-બેલ્જિયમમાં સ્થાયી થયેલા ગુજરાતી મહેતા પરિવારની યુરોસ્ટાર ડાયમંડ છેલ્લા ઘણાં વર્ષોથી મુશ્કેલીમાં હતી. જેણે બેંકોના લેણા પરત કરવા માટે લોન પુનર્ગઠનની ફોર્મ્યુલા મૂકી હતી, પરંતુ, તે રિજેકટ થઇ હતી. વેબસાઇટ રિપોર્ટ મુજબ, માર્ચ મહિનામાં કંપનીની અરજી બેલ્જિયમ કોર્ટ દ્વારા ફગાવાઈ હતી. જેમાં ૨૮મી માર્ચની તારીખ પડી હતી. એન્ટવર્પ કોર્પોરેટ કોર્ટ દ્વારા બેંકકરપ્સીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. જેને પગલે હવે કંપનીએ નાદારીની પ્રક્રિયા હાથ ધરી છે. વેબસાઇટના રિપોર્ટ મુજબ, કંપની દ્વારા તેની પાસે ૨૫ મિલિયન ડોલરનો સ્ટોક હોવાનું જણાવ્યું હતું. જ્યારે ૨૦૧૭ના હિસાબ ઓડિટ કરવા માટે અધિકારીએ ઇનકાર કર્યો હતો. કંપની પાસે એબીએન એમરો, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ, કેબીસી, બેંક ઓફ ઇન્ડિયા જેવી બેંકોની મોટી રકમ લેણા સ્વરૂપે બાકી છે. જે રકમ ૫૦૦ મિલિયન ડોલર (અંદાજે રૂપિયા ૩૫૦૦ કરોડ) થવા જાય છે. જેનું ચૂકવણું કરાયું નથી, જેની વસૂલાત માટે બેંકો દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ હતી. જે સામે કંપની કોર્ટમાં ગઇ હતી.
વેબસાઇટ મુજબ કંપનીએ કોર્ટના ચુકાદા સામે અપીલમાં જવાની તૈયારી દર્શાવી છે. ઉપરાંત આ પરિસ્થિતિ માટે એબીએન એમરો તથા સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ દ્વારા રિપેમેન્ટ માટે દર્શાવાયેલો આક્રમક અભિગમ જવાબદાર ગણાવ્યો છે.