અમદાવાદઃ ટેક્નોલોજી અને ટેલિકોમ્યુનિકેશન માટે જગવિખ્યાત કંપની એપલમાં ઘણા સમયથી મોટા ફેરફાર કરવામાં આવી રહ્યા છે. કેટલાક વિભાગોમાં છટણી કરવામાં આવ્યાના સમાચાર થોડા સમય પહેલાં વહેતા થયા હતા ત્યાં હવે કેટલાક વિભાગમાં નવા વડાની નિમણુંક કરાયાના સમાચાર આવ્યા છે. તાજેતરમાં આવેલા સમાચાર અમદાવાદીઓ માટે ગર્વ સમાન છે. એપલ દ્વારા હાર્ડવેર ટીમમાં ધરખમ ફેરફાર કરાયો છે. તેમાં એકોસ્ટિક્સ વિભાગના વડા ગેરી ગીવ્સને ખસેડીને નવા વડા તરીકે ગરવા ગુજરાતીની નિમણુંક કરાઈ છે.
એલ.ડી. એન્જિનિયરિંગના ભૂતપૂર્વ વિદ્યાર્થી
ગેરીના સ્થાને મૂળ અમદાવાદના વતની રુચિર દવેની નિમણુંક કરાઈ છે. રુચિર દવે અમદાવાદની જાણીતી એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થી હતા. તે 2009માં એપલમાં એન્જિનિયર તરીકે જોડાયા હતા અને હવે ત્યાં જ એક ડિવિઝનના વડા બની ગયા છે. ઉલ્લેખનીય છે કે, ગેરી લગભગ તેર વર્ષથી એપલના એકોસ્ટિક્સ વિભાગના વાઇસ પ્રેસિડેન્ટપદે હતા. ગેરીનો અનુગામી બનેલા રુચિર દવે પાલડીની શારદામંદિર સ્કૂલના 1982થી 1994 સુધી વિદ્યાર્થી હતા. આ પછી તે 1998માં એલ.ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી સ્નાતક થઇ યુએસની પેન સ્ટેટ યુનિવર્સિટીમાં ભણવા ગયા હતા.
ઓડિયો સેગમેન્ટમાં નિપુણતા
એપલની હાર્ડવેર ટીમમાં 300 જેટલા કર્મચારીઓનો સમાવેશ થાય છે અને તેઓ કંપનીના ઉત્પાદનો હોમપોડ, એરપોડ્સ અને સ્પિકરના બિઝનેસને ધમધમતો રાખે છે. આ ટીમ દ્વારા સાઉન્ડ અને માઇક્રોફોન ટેકનોલોજીમાં થતાં નવા આવિષ્કારોને પણ આત્મસાત કરે છે. વિશિષ્ટ સોફ્ટવેર ફિચર બનાવવાનું કામ આ ટીમને ફાળે આવે છે. મૂળ અમદાવાદી એવા રુચિર દવે એપલમાં 13 વર્ષથી કામ કરે છે. હવે તેઓ એકોસ્ટિક્સના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે એરપોડ્સ અને મેકસ સહિતના ઉત્પાદનોના ઓડિયો ફિચર્સ ઉપર દેખરેખ રાખશે. તેના ડિવિઝનની એરપોડ્સ અને મેકના ઓડિયો સેગમેન્ટમાં માસ્ટરી છે. તેઓ વિશેષ સોફ્ટવેર થકી એપલના ઓડિયોને વધારે સારી ગુણવત્તાના બનાવે છે.
રુચિર 2009માં એપલમાં એકોસ્ટિક્સની એન્જિનિયર ટીમમાં જોડાયા એ પહેલાં તેણે સિસ્કો કંપનીમાં લગભગ એક દાયકા સુધી કામ કર્યું હતું. એપલમાં જોડાયા બાદ મે 2012માં તેને બઢતી આપીને મેનેજર બનાવવામાં આવ્યા હતા. એ પછી માર્ચ 2021માં રુચિર દવેની કંપનીના સિનિયર ડાયરેક્ટર તરીકે નિમણૂક થઇ હતી. એપલ દ્વારા આ સમાચારની સત્તાવાર જાહેરાત કરાઇ નથી પણ આ સમાચાર તેના કર્મચારીઓમાં ફેલાઇ ગયા છે.
એપલમાં વિવિધ વિભાગોમાં ઘણાં ભારતીયો કામ કરે છે પણ આટલાં લાંબા સમય સુધી કંપનીમાં રહીને જ સતત પ્રમોશન મેળવનારા રુચિર દવે જેવા પ્રતિભાશાળી એન્જિનિયર્સ બહુ ગણ્યાગાંઠયા છે.