સુરતઃ હજીરા સ્થિત એલએન્ડટીમાં આર્મ્ડ સિસ્ટમ કોમ્પલેક્સમાં ૧૬મી જાન્યુઆરીએ ૫૧મી કે-નાઈન ટેન્કને તેમના દ્વારા લશ્કરમાં સામેલ કરવામાં આવી હતી. કે-નાઈન વજ્ર ટેન્કને લીલીઝંડી બતાવવાના કાર્યક્રમમાં ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, મેક ઈન ઈન્ડિયા ઈનિશિએટિવ અંતર્ગત ભારત વિશ્વનું આર્મ્સ મેન્યુફેક્ચરિંગ હબ બને અને ડિફેન્સના ક્ષેત્રમાં નિકાસકારના રૂપમાં પણ ભારત ઉભરીને આવે તેવું સરકાર ઈચ્છે છે. ભારત જેવો વૈશ્વિક પ્રોમિસિંગવાળો દેશ ડિફેન્સમાં આર્મ્સની આયાત પર નિર્ભર નહીં રહી શકે.
તેમણે જણાવ્યું હતું કે, ભારતે ડિફેન્સ પોલીસીમાં એરોસ્પેસ ડિફેન્સ એન્ડ સર્વિસિસ ક્ષેત્રે ૨૦૨૫ સુધીમાં રૂ. ૧૮૪૫ અબજ (૨૬ અબજ ડોલર) ટર્નઓવર હાંસલ કરવાનું લક્ષ્ય રાખ્યું છે અને તેના દ્વારા લગભગ ૧૦ બિલિયન ડોલર એટલે કે રૂ. ૭૦ હજાર કરોડનું રોકાણ અને ૨થી ૩ અબજ લોકો માટે રોજગારીની તકો ઊભી કરવાનું પણ લક્ષ્ય છે.
૫૧મી ‘વજ્ર’ ટેન્ક રાષ્ટ્રને સમર્પિત
સુરત પાસેના હજીરામાં આવેલા એલએન્ડટીના પ્લાન્ટમાં ભારતીય ભૂમિદળ માટે અત્યંત આવશ્યક એવી ટેન્ક તૈયાર થઈ રહી છે. મેક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટ હેઠળ અત્યાર સુધીમાં કુલ ૫૦ ટેન્ક બની ચૂકી છે. ૧૬ જાન્યુઆરીએ તૈયાર થયેલી ૧૬મી ટેન્ક રક્ષા પ્રધાન રાજનાથ સિંહે રાષ્ટ્રને અર્પણ કરી હતી.
મેઇડ ઇન ઇંડિયા ‘વજ્ર’ની વિશેષતા
• એક ટેન્ક માટે નાના-મોટા ૧૩,૦૦૦ પાર્ટ્સની જરૂર પડે છે. એમાંથી મૂલ્યની દૃષ્ટિએ ગણીએ તો ૭૫ ટકા પાર્ટ્સ સ્વદેશી છે.
• સરકારે મેક ઈન ઈન્ડિયા હેઠળ એલએન્ડટીને રૂ. ૪૫૦૦ કરોડમાં ૧૦૦ ટેન્કનો ઓર્ડર આપ્યો હતો જેમાંથી ૫૧ તૈયાર થઈ ચૂકી છે.
• આ ટેન્કની ડિઝાઈન ભારતની નથી, સાઉથ કોરિયન કંપની ‘સેમસંગ ટેક્વિને’ તૈયાર કરી છે. તેની પાસેથી ટેકનોલોજી ખરીદીને ભારતમાં તેનું ઉત્પાદન થઈ રહ્યું છે. શરૂઆતની દસ ગનની સામગ્રી કોરિયામાંથી આયાત કરી અહીં એસેમ્બલ કરાઈ હતી.
• ભારતે તેનું સ્વદેશી નામ ‘વ્રજ’ રાખ્યું છે. કોરિયન નામ ‘કે-૯ થન્ડર’ છે.
• વજન ૫૦ ટન છે અને ૪૭ કિ.ગ્રા.નો ગોળો ૩૦થી ૫૬ કિ.મી. દૂર સુધી ફેંકી શકે છે એ માટે તેનું નાળચું ૧૫૫ મિ.મી. વ્યાસનું છે. દર દસ સેકન્ડે એક ગોળો ફાયર થઈ શકે છે અને એક કલાક સુધી સતત ફાયર કરી શકે છે.
• ભારતે એવી ટેન્કની જરૂર પડે જે વિવિધ તાપમાન અને વિવિધ પ્રકારના વાતાવરણમાં કામ આપી શકે કેમ કે ભારતની સરહદો પર બરફ છે, પહાડો છે, રણ અને ગાઢ જંગલ પણ છે. એ બધા વાતાવરણમાં અને બધા પ્રકારની ભૂગોળમાં કામ કરી શકે એવી આ ભૂગોળમાં કામ કરી શકે એવી ટેન્ક છે.
• ૩૬૦ કિ.મી.ની રેન્જમાં મહત્તમ ૬૭ કિ.મી.ની ઝડપે ભાગી શકે છે, ટેન્કના સંચાલન માટે કુલ ૫ વ્યક્તિની જરૂર પડે છે.