પાટણ: એશિયાના સૌથી મોટા એવા સોલાર પાર્કની ગુજરાત પાવર પીપાવાવ કોર્પોરેશન લિમિટેડ કંપનીમાં ૮મી જુલાઈએ સાંજના આશરે ૭:૦૦ વાગ્યાના સમયગાળા દરમિયાન શોર્ટ સર્કિટ થઈ હતી. જેના કારણે અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. જેથી પ્લાન્ટના કન્ટ્રોલ રૂમ અને લાઇટની પેનલો તેમજ સ્વીચ યાર્ડમાં આગ ફેલાઈ હતી અને ટ્રાન્સફર્મર પર પણ આગ લાગતાં પ્લાન્ટમાં ધુમાડા નીકળવાના શરૂ થયાં હતાં.
આ ઘટનામાં રૂ. એક કરોડથી વધુની નુકસાની થવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. જીપીપીસી પ્લાન્ટમાં લાગેલી ભયાનક આગને કારણે સોલાર પાર્કમાં કોઈ જ ફાયર ફાઇટરની સુવિધા નહીં હોવાના કારણે બે કલાક બાદ પણ આગ પર કાબૂ મેળવાયો નહોતો. આશરે ત્રણેક કલાક પછી આગ પર કાબૂ મેળવવામાં કંઈક અંશે સફળતા મળવી શરૂ થઈ હતી.