અંજારમાં નસીબવંતા શ્વાનો છેલ્લા ચાર દાયકાથી કેક ખાઈને મોજ કરે છે. શહેરના શેખટીંબા પાસે રહેતા એક વયોવૃદ્ધ કુંભારકાકા પોતાની ઘોડાગાડીમાં કેકની ડિલીવરી કરવા જુદી જુદી દુકાનોમાં જાય છે. પતરાના ડબ્બામાં કેક ભરીને ઘોડાગાડીમાં ભરી તેઓ સાંજના સમયે કેકની નક્કી કરેલી દુકાનોમાં ડિલીવરી આપતા જાય છે. કુંભારકાકા ગંગાનાકા પાસે બસસ્ટોપ નજીક પહોંચે કે તરત ચારથી પાંચ શ્વાન તેમની ઘોડાગાડી પાસે આવી જાય. ઈસાક ઓસમાણ કુંભાર દુકાનનો વહીવટ પૂરો કરીને બહાર આવે છે અને ઘોડાગાડીમાં મૂકેલા પતરાના ડબ્બામાંથી વધેલી કેક શ્વાનોને સમાન ભાગે વહેંચી દે છે.