ખારાઘોડાઃ દર વર્ષે અંદાજે ૩૦ લાખ મેટ્રિકટન મીઠું પકવતાં અગરિયાઓએ મીઠાનાં અપૂરતા ભાવ મળતાં મીઠું પકવવાનું બંધ કરી ‘રણબંધ’નું એલાન આપ્યું છે. મોગલકાળથી મીઠાનું ઉત્પાદન કચ્છના નાના રણ એવા ખારાઘોડા વિસ્તારમાં થાય છે. અત્યાર સુધીમાં કયારેય તમામ અગરિયાઓએ મીઠું પકાવવા માટે બંધનું એલાન આપ્યું નથી, આથી તંત્રમાં દોડધામ મચી ગઇ છે.
અંદાજે પાંચ હજાર ચોરસ કિલોમીટરમાં પ્રતિ વર્ષ ૩૦ લાખ મેટ્રિક ટન મીઠાનું ઉત્પાદન ખારાઘોડાનાં રણમાં થાય છે. આ મીઠું પકાવતા ચારેક હજાર અગરિયા પરિવારોને આ વર્ષે મીઠાંના ભાવ એક મેટ્રિકટન દીઠ રૂ. ૧૫૦થી ૨૩૦ જ મળતાં રોષ ફેલાયો છે, ગત વર્ષે રૂ. ૨૩૦થી ૩૨૦ મળ્યાં હતાં. તાજેતરમાં ૫૦૦ અગરિયાઓએ રેલી કાઢીને ભાવ બાબતે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.
• મોથાળામાં કચ્છી ભાનુશાળી સમાજના સંકુલનું સવા કરોડના ખર્ચે નિર્માણઃ કચ્છી ભાનુશાલી મોથાળા મહાજન દ્વારા મોથાળા ગામે અંદાજે રૂ. ૧.૨૫ કરોડના ખર્ચે અદ્યતન અતિથિ ગૃહ અને ભોજનાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. નાના ગામમાં નિર્માણ પામેલી વાતાનુકૂલિત સુવિધા સાથેના અતિથિ ગૃહના ભવનને ગં.સ્વ. લીલબાઇ લક્ષ્મીદાસ મોરારજી ગોરીનું નામ અપાયું છે. જેમાં ૧૮ રૂમ સાથે વિશાળ ભોજન કક્ષની સુવિધા છે. આ સંકુલનું ઉદ્ધાટન ૧૮ ઓક્ટોબરે સવારે સંત હરિદાસજી મહારાજના હસ્તે થશે. આ પ્રસંગે મહારાષ્ટ્ર સરકારના પ્રધાન પ્રકાશભાઇ મહેતાના હસ્તે ભોજનાલય ખુલ્લું મુકાશે. આ નિમિત્તે રાજ્ય પ્રધાન તારાચંદભાઇ છેડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.