ભુજ: ભારતનાં અચલગચ્છ સંપ્રદાયના આચાર્ય ભગવંત, તપસ્વી રત્ન, જિનશાસન શિરોમણિ અને ૫૪-૫૪ વરસી તપના આરાધક અચલગચ્છાધિપતિ આચાર્ય મહારાજ ગુણોદયસાગર સૂરીશ્વરજીએ રવિવારની મધ્ય રાત્રેનાં ૧.૧૫ વાગ્યે નવકારમંત્રનું સ્મરણ કરતા દેહનો ત્યાગ કર્યો હતો. મહારાજ સાહેબને અગ્નિસંસ્કાર વિધિ ૭૨ જિનાલયની તીર્થભૂમિમાં જ કરાઈ ત્યારે ‘જય જય નંદા, જય જય ભદ્રા’નાં ઉચ્ચારણથી વાતાવરણ ભારે ગમગીન બન્યું હતું.
માંડવી કોડાયપુલ સ્થિત ૭૨ જિનાલય તીર્થમાં ચાતુર્માસમાં બિરાજમાન ૯૨ વર્ષનાં અચલગચ્છ જૈન સંઘના આચાર્ય ભગવંત પૂ. ગુણોદયસાગર સુરીશ્વરજી મ.સા. ૯૨ વર્ષની વયે પણ વરસી તપની ઉગ્ર તપસ્યા કરતા હતા. ૬૪ વર્ષના દીર્ધ સંયમ જીવનની આરાધનામાં સતત ૫૪ વર્ષથી તેઓ વરસી તપની તપસ્યા કરતા હતા. ભારતનાં અચલગચ્છ સંપ્રદાયનાં આચાર્ય જિનશાસન શિરોમણી ગુણોદયસાગરસુરીશ્વરજી મ.સા. કાળધર્મ પામ્યા હોવાનાં સમાચાર મળતા પૂર્વ રાજ્ય પ્રધાન તારાચંદ છેડા, વિનોદભાઈ ગંગર, મહેન્દ્રભાઈ પાસડ, પ્રબોધ મુનવર, અખિલ ભારત અચલગચ્છ જૈન સંઘના ઉપપ્રમુખ હેમચંદભાઈ ગડા, ૭૨ જિનાલય ટ્રસ્ટનાં રવિભાઈ સંઘોઈ, મોરારજી છેડા સહિતનાં કચ્છભરમાંથી અનેક અચલગચ્છ જૈન સમાજનાં અગ્રણીઓ મહારાજ સાહેબનાં અંતિમ દર્શન કરવા પહોંચ્યા હતા. રવિવારે બપોરે નીકળેલી પાલખીયાત્રામાં જૈન સાધુ-સાધ્વીઓ ઉપરાંત અનેક લોકો જોડાયા હતા.