ગાંધીધામઃ ભચાઉમાં થોડા સમય પહેલા જૈન સાધ્વીજી પર લૂંટના ઈરાદે થયેલા હુમલામાં પોલીસ આરોપીઓને પકડી શકી નથી. હવે ભચાઉ તાલુકાના લાકડિયાથી ચિત્રોડના રસ્તે શિવલખા પાસે ૨૯મી નવેમ્બરે વિહાર કરવા નીકળેલા જૈન સાધ્વીજી અજાણ્યા વાહનની ટક્કરે કાળધર્મ પામતા જૈન સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. અકસ્માત બાદ આરોપી વાહન ચાલક ફરાર થઈ જતા રોષની લાગણી ફરી વળી છે.
લાકડિયાથી સાતેક જેટલા જૈન સાધ્વીજી ચિત્રોડ જવા વિહાર કરી રહ્યા હતા ત્યારે શિવલખા પાસે કોઈ અજાણ્યા ટ્રકે એક સાધ્વીજીને પાછળથી ટક્કર મારી હતી. જેમાં સાધ્વીજી પૂર્ણશ્રદ્ધા શ્રીજી (ઉ. વ. ૩૪)ને માથા તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા પહોંચી હતી. આ અકસ્માતમાં સાધ્વીજી સ્થળ પર જ કાળાધર્મ પામ્યા હતા. તેઓની સાથેનાં અન્ય સાધ્વીજીઓનો બચાવ થયો હતો. અકસ્માત બાદ આરોપી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં આસપાસના જૈન સમાજના અગ્રણીઓ સ્થળે પહોંચી ગયા હતા. જૈન સાધ્વીજી માર્ગ અકસ્માતમાં કાળધર્મ પામતાં જિલ્લાભરમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અને હીટ એન્ડ રનમાં સાધ્વીજીનું મૃત્યુ થવાથી સમાજમાં રોષની લાગણી પણ ફેલાઈ હતી.
આ બનાવના પગલે ભચાઉ તથા આસપાસના ગામોમાં જૈનબંધુઓએ બંધ પાળ્યો હતો. ભચાઉના વર્ધમાન નગરમાંથી સાધ્વીજીની પાલખી યાત્રા નીકળી હતી. ત્યારબાદ તેઓના અંતિમ સંસ્કાર કરાયા હતા. પાલખી યાત્રા અને અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં જૈન શ્રાવકો હાજર
રહ્યા હતા.