અમદાવાદ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણીના પુત્ર અનંતની સગાઈ એન્કોર હેલ્થકેરના સીઇઓ વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા સાથે થઈ છે. વિરેન મર્ચન્ટ મુકેશ અંબાણીના મિત્ર છે. રાજસ્થાનના શ્રીનાથજી ખાતે બંનેના પરિવારજનો અને નજીકના સંબંધીઓની હાજરીમાં સગાઈની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી અંબાણી પરિવારના દરેક કાર્યક્રમોમાં રાધિકા પરિવારના સભ્યની જેમ જ જોવા મળતી હતી. જૂન 2022માં મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ જિયો વર્લ્ડ સેન્ટરમાં એક ખાસ આરંગેત્રમ સેરેમનીનું આયોજન કર્યું હતું. અંબાણી પરિવારે આ સેરેમની પોતાની ભાવિ પુત્રવધૂ રાધિકા મર્ચન્ટ માટે રાખી હતી. એ વખતે રાધિકાએ પહેલી વખત સ્ટેજ પર પર્ફોમ કર્યું હતું.
મર્ચન્ટ પરિવારનું કચ્છ ક્નેક્શન
રાધિકા કચ્છના વતની અને એન્કોર હેલ્થકેરના સીઇઓ વિરેન મર્ચન્ટની દીકરી છે. દેશના ટોચના ઉદ્યોગપતિઓમાં વિરેનની ગણના થાય છે. માતાનું નામ શૈલા મર્ચન્ટ છે. તે હાલમાં એન્કોર હેલ્થકેરમાં ડાયરેક્ટર પણ છે. રાધિકાની બહેનનું નામ અંજલિ છે, જે એન્કોર હેલ્થકેરમાં પિતાને મદદરૂપ થાય છે. અનંત અંબાણી રિલાયન્સ એનર્જી બિઝનેસ લીડ કરી રહ્યા છે. અનંત અંબાણીએ પણ અમેરિકામાં અભ્યાસ કર્યો છે.
રાધિકા માંડવીની દોહિત્રી
અંબાણી પરિવારમાં જેની સગાઇ થઇ છે તે રાધિકા મર્ચન્ટ મૂળ માંડવી કચ્છની દોહિત્રી છે. મસ્કતમાં અલ તુર્કી નામની પ્રખ્યાત કંપનીના માલિક ગુલાબ શેઠના દીકરી શૈલાબેનની દીકરી એટલે રાધિકા. ખાડી દેશોમાં કાઠું કાઢનારા અને જાણીતા દાતા ખીમજી રામદાસની પારિવારિક સભ્ય છે. કચ્છમાંથી ભાટિયા સમાજના આ મોભીઓએ વૈશ્વિક નામના મેળવી છે. ખીમજી રામદાસને દુબઇના ‘હિન્દુ શેખ’ તરીકે નવાજવામાં આવ્યા છે અને તે પરિવારનો કચ્છ સાથેનો સંપર્ક સતત જીવંત રહ્યો છે.
કોણ છે રાધિકા મર્ચન્ટ?
1994માં જન્મેલી રાધિકાએ મુંબઇમાં સ્કૂલિંગ કર્યું છે. ત્યાર બાદ તે અભ્યાસ માટે ન્યૂ યોર્ક ગઈ હતી. ત્યાં તેણે પોલિટિક્સ અને ઇકોનોમિક્સનો અભ્યાસ કર્યો હતો. ગ્રેજ્યુએશન પછી 2017માં તેણે ઈસપ્રાવા ટીમના એક એક્ઝિક્યુટિવ તરીકે જોડાઈ હતી. તેને રીડિંગ, ટ્રેકિંગ અને સ્વિમિંગ ગમે છે. રાધિકા-અનંત બાળપણથી એકબીજાને ઓળખે છે. રાધિકા- અનંતનો એકસાથે ફોટો 2018માં વાઇરલ થયો હતો. ફોટોમાં બંને મેચિંગ ગ્રીન આઉટફિટ્સમાં જોવા મળ્યાં હતાં. રાધિકા ક્લાસિક્લ ડાન્સર પણ છે. તે શ્રી નિભા આર્ટસનાં ગુરુ ભાવના ઠક્કરની શિષ્યા છે. રાધિકા નીતા અંબાણી અને ઇશાની બહુ નજીક હોવાનું કહેવાય છે. અંબાણી પરિવારના લગ્નમાં પણ તે બહુ સક્રિયતાથી કામ કરતી જોવા મળી હતી.