માંડવીઃ સૈકાઓથી માંડવીમાં બનતા વહાણની કારીગરી દેશ-વિદેશમાં વિખ્યાત છે. જોકે આજે તે ઉદ્યોગ ડચકાં ખાઈ રહ્યો છે. આ પરિસ્થિતિમાં હાથ બનાવટનું એક વહાણ બનાવવાનો ઓર્ડર માંડવીના કારીગરને દુબઈના રાજ પરિવાર તરફથી મળ્યો છે. રૂ. પાંચ કરોડ આસપાસના ખર્ચે બનનારું વહાણ માંડવીના ઇતિહાસમાં બનાવેલું સૌથી લાંબુ વહાણ હશે. માંડવીમાં પાંચ પેઢીથી લાકડાનાં વહાણ બનાવતા કારીગર પરિવારના ઈબ્રાહિમભાઈ ઈસ્માઈલભાઈ મિસ્ત્રીને આ કોન્ટ્રાક્ટ મળ્યો છે. આજથી બે-એક વર્ષ પૂર્વે જ્યારે દુબઈના રાજ પરિવારને ફરવા માટે લાકડાંના હાથ બનાવટનું વહાણ બનાવવાની વાત થઈ ત્યારે અનેક દેશના કારીગરોનો વિચાર કરવામાં આવ્યો હતો. એ પછી આખરે માંડવીના મિસ્ત્રી પરિવાર પાસે વહાણ બનાવડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
વહાણની લંબાઈ ૨૦૭ ફૂટ
રાજ પરિવાર માટે બની રહેલું વહાણ માંડવીના ઇતિહાસમાં સર્વ પ્રથમ વખત જ ૨૦૭ ફૂટની લંબાઈ ધરાવતું વહાણ નિર્માણ પામી રહ્યું છે. ૧૮ ફૂટની ઊંચાઈ ધરાવતા વહાણનું નિર્માણ પૂર્ણ થયા બાદ તેને દુબઈ લઈ જવાશે. તેની અંદર ઇન્ટિરિયર ફર્નિચર વગેરેની કામગીરી દુબઈમાં કરવામાં આવશે.