અમદાવાદ: કચ્છ-ભુજમાં એમ.એ. બીએડ થયેલા યુવાન બિપિનચંદ્ર દેવરાજે જાહેરાત કરી છે કે અહીં બેકારી અને રોજગારીની સમસ્યા હોવાથી હું દારૂ વેચીશ અને એ પણ જાહેરમાં રોડ પર દેશી દારુ વેચીશ. કચ્છ-ભુજના જિલ્લા કલેકટરને તેણે આ અંગે એક પત્ર પણ આપ્યો છે. પત્રમાં જણાવ્યું છે કે, હું પોલીયોગ્રસ્ત અસહાય છું. માંડ માંડ ભણ્યો હતો. હવે નોકરીની રાહ જોઇ રહ્યો છું. મેં અનેક જગ્યાએ અરજીઓ મોકલાવી છે, પણ નોકરી મળી નથી. લગ્ન
બાદ હવે ગુજરાન ચલાવવાનું મુશ્કેલ છે.
કલેકટરને લખ્યું છે કે, નાપાક મોદી સરકાર જાત-જાતની નાટકબાજી કરી લોકોને મૂર્ખ બનાવી રહી છે. અનેક પ્રકારનાં તાયફાઓ કરે છે. ‘અચ્છે દિન આયેંગે’ના સૂત્રની જગ્યાએ પ્રજા ‘બૂરે દિન’ જોઇ રહી છે. હવે મારી ધીરજ ખૂટી છે. પોલીયો હોવાથી મજૂરી કરી શકું તેમ નથી તેથી ૨૬મી જાન્યુઆરીથી જાહેરમાં દેશી દારૂ વેચીશ. આજ દિન સુધી મારું કુટુંબ તમામ વ્યસનોથી દૂર રહ્યું છે, પણ હવે હું દારુનો વેપલો કરીશ. લોકશાહીને ઘોળીને પી જનારા મોદી લોકોને ઉલ્લુ સમજતા હોય તો તેમની મહાન ભૂલ છે. બંધારણ મુજબ મને રોજીરોટી મેળવવાનો અધિકાર છે. સરકારે હવે વાયબ્રન્ટ સહિતનાં તાયફા બંધ કરીને બેરોજગારોને રોટલો મળે તેવું આયોજન કરવું જોઇએ. આ પત્રની નકલ ડીએસપી, ગાંધીધામ મામલતદાર, પીઆઇ, વડા પ્રધાન વગેરેને મોકલાઇ છે. કોપીની અંદર રિસિવનો સિક્કો પણ લગાવ્યો છે.