ભુજઃ કચ્છ યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્રના વિદ્યાર્થીઓ અને જર્મન વૈજ્ઞાનિક મેથિઅસ આલ્બર્ટની ટીમને તાજેતરના લોડાઈ ગામ પાસે કાળા ડુંગરાળ ક્ષેત્રમાં સંશોધન દરમિયાન મહાકાય પૂર્ણ જીવાશ્મિ મળી આવ્યું છે. ટીમે આ અશ્મિને સંપૂર્ણપણે ભૂમિમાંથી બહાર લઈને કચ્છ યુનિવર્સિટીને સોંપ્યું છે. હવે તેના પર દેશ-વિદેશના વૈજ્ઞાનિકો આવીને ઊંડો અભ્યાસ કરશે. આ શોધથી હવે કચ્છને ભૂસ્તરીય પ્રવાસનની દિશામાં વેગ મળશે.
અવશેષ મળ્યું એ પછી તેને અડધું બહાર કાઢ્યા પછી જણાયું કે તે ડાયનાસોરનું નથી. વૈજ્ઞાનિક જીવીઆર પ્રસાદના માર્ગદર્શનમાં ચાલતા ઉત્ખનનમાં તે બાદમાં તે ઈક્થિયોસોર હોવાનું સ્પષ્ટ થયું હતું. આ અશ્મિ ૧૫થી ૧૬ કરોડ વર્ષ પહેલાના યુગનું અને જુરાસિક કાળમાં જોવા મળતા મહાકાય જળચર દરિયાઈ સરિસૃપનું છે.
કચ્છ યુનિ.ના અર્થ એન્ડ એન્વાયર્નમેન્ટ્સ સાયન્સ વિભાગના વડા ડો. એમ. જી. ઠક્કરે કહ્યું હતું કે, ભારતમાં આવું ઈક્થયોસોરનું અશ્મિ પહેલી વખત જ મળ્યું છે અને તેની લંબાઈ પાંચ મીટર છે. આ મોટા જીવાશ્મિને પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ કરીને યુનિ. ભવનમાં રખાયું છે.
આ અશ્મિની પાંસળી અને જઠરવાળી જગ્યામાંથી અન્ય નાના જીવાશ્મિ મળ્યા છે, જેનાથી તેના ખોરાકની જાણકારી મળી શકશે. સંશોધનો મુજબ અત્યારના યુગની ડોલ્ફિનના પૂર્વજ જીવ તરીકે આને સરખાવી શકાય એમ ડો. ઠક્કરે ઉમેર્યું હતું.