ભુજઃ સીમાવર્તી કચ્છમાંથી રાજ્ય ત્રાસવાદ વિરોધી દળ (એટીએસ) દ્વારા ૧૩મી ઓક્ટોબરે જાસૂસીના આરોપ તળે પકડાયેલા ખાવડા પંથકના બે શખ્સ અલાના હમીર સમા અને શકુર સુમરાને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ દ્વારા હની ટ્રેપ તથા પૈસાની લાલચમાં ફસાવીને ભારતની ગુપ્ત માહિતીઓ મેળવવાના કિસ્સામાં પાક.ના બાતમીદાર સમાને પ્રત્યેક બાતમી દીઠ રૂ. દસ હજાર મળતા હોવાનું બહાર આવ્યું છે.
ભારતીય એટીએસના અધિકારીઓ તથા પોલીસ ઇન્સ્પેક્ટર પલાશની રાહબરી તળેની ટુકડી હાલમાં રિમાન્ડમાં લેવાયેલા સમા અને શકુરની સઘન પૂછતાછ કરી રહી છે તેમાં જાણવા મળ્યું છે કે, સમાએ અત્યાર સુધીમાં સરહદ પારથી હજારો રૂપિયા મેળવ્યા હતા. તેણે મોકલેલી બાતમીમાં આર્મી કેમ્પના ફોટોગ્રાફનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત હનીટ્રેપ બિછાવી અલાના પાસેથી જાસૂસી કરાવનારી પાકિસ્તાની તરુણી રઝિયાની તસવીર પણ એટીએસ દ્વારા હસ્તગત કરાઈ છે.
આ કેસમાં બંને જાસૂસ પૈકીના અલાના પાસેથી કેટલાક મહત્ત્વના દસ્તાવેજો અને સાહિત્ય કબજે કરી લેવાયાં છે જ્યારે શકુર પાસેથી આ અંગેની માહિતી મેળવવાનું કામ ચાલી રહ્યું છે. આ અંગે સીમાલક્ષી ગુનાખોરી બાબતે નિષ્ણાત નિવૃત્ત નાયબ પોલીસ અધિક્ષક ડી. આર. અગ્રાવતની મદદ પણ લેવામાં આવી રહી છે. જાસૂસોને સ્થાનિકેથી મદદકર્તાઓની વિગતો ચકાસવા માટે અગ્રાવતના સમયના જૂના બાતમીદારો સહિતના તેમના નેટવર્કની મદદ પણ મેળવવાની વકી છે.
‘હની ટ્રેપ’ : પુરાની પદ્ધતિ
સુંદરીઓના મોહજાળમાં ફસાવીને અંદરની વાત કઢાવવાની આ કાવતરાખોર હની ટ્રેપ પ્રયુક્તિ વરસોથી અજમાવાતી રહી છે. વિવિધ દેશોની એજન્સીઓ અન્ય દેશોની વિગતો મેળવવા યુવતીઓની સુંદરતાનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરીને આમઆદમીથી માંડીને અમલદાર સુધીના વર્ગને ફસાવતી હોવાનું નવું નથી. આ યુક્તિને હની ટ્રેપ કહેવાય છે. પાકિસ્તાન દ્વારા હની ટ્રેપના ઉપયોગનો પણ આ પ્રથમ મામલો નથી.
ગયા વર્ષે ભટીંડામાં ફરજ પરના વાયુદળના જવાન રણજિત કે. કે.ને હની ટ્રેપમાં ફસાવીને ભારતીય વાયુદળના યુદ્ધ વિમાનો અને દળો વિશેની અતિસંવેદનશીલ જાણકારીઓ મેળવવાનો કારસો પાકિસ્તાનને ભારે પડ્યો હતો. રણજિતની આ કેસમાં ધરપકડ થઇ હતી. સેના દ્વારા જવાનોને સોશિયલ મીડિયા પર કોઇ અજાણી યુવતી સાથે પરિચય કેળવતાં પહેલાં સાવધાની રાખવાનો નિર્દેશ અપાયો હોય છે છતાં યુકેના કોઈ મેગેઝિનની પૂર્વ કર્મચારી હોવાની ઓળખ આપનારી દામિની મેકનોટ નામની મહિલાની જાળમાં રણજિત ફેસબુક પરની દોસ્તીના કારણે ફસાયો હતો.