નિરોણા: ગૌમાતાના રક્ષણ માટે શહીદી વોહરી કચ્છની રણકાંધીએ બિરાજમાન સોદ્રાણાના શહેનશાહ તેમજ કોમી એકતાના પ્રતીક ગણાતા બાબા હાજીપીરનો પ્રખ્યાત મેળો શરૂ થવાના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કચ્છ, ગુજરાત અને પરપ્રાંતના પદાયાત્રિકોનો પ્રવાહ પાવરપટ્ટીના પંથે રણમાં ઠલવાતા ધોમધખતા તાપ વચ્ચે અફાટ રણપ્રદેશમાં જાણે શ્રદ્ધાનો સમુંદર ઘૂઘવી રહ્યો છે. બિબ્બરથી ભૂજ વચ્ચેના ૪૫ કિ.મી.ના માર્ગમાં ૩૦ જેટલા સેવાકેમ્પો પદયાત્રીઓની સેવા માટે રાત-દિવસ ધમધમી રહ્યા છે. તો બિબ્બરથી ઉત્તરે રણ વચાળે ઠેઠ હાજીપીર સુધીના વેરાન પંથકમાં ડગલે-પગલે સેવાભાવી કાર્યકરો તૈનાત બની પદયાત્રીની સેવામાં તલ્લીન બન્યા છે.