રાપરઃ આશરે સાડા ત્રણ દાયકા પૂર્વે કચ્છના દલિતોને ફાળવાયેલી જમીનો તેમને નહીં અપાતા દલિતોએ આંદોલનના માર્ગે એ જમીન મેળવવાનો નિર્ધાર કર્યા પછી તાજતેરમાં ૧૪ એપ્રિલે એટલે કે ડો. ભીમરાવ આંબેડકરની જન્મજયંતીએ કચ્છના ત્રણ તાલુકામાં દલિતોને ૧૦૦ એકર જેટલી જમીનના કબજા સોંપાયા હતા.
વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી આ પ્રસંગે કચ્છમાં હાજર રહ્યા હતા. તેમણે કહ્યું કે, આ જમીનના સંપાદન થકી દલિતોને રોજગારી મળશે. મેવાણીએ રાપર તાલુકાનાં ૪ ગામોની જમીનના કબજા પણ ત્રણ અઠવાડિયામાં સોંપવાની મહેતલ અંગે ઉલ્લેખ કર્યો હતો. જો દલિતોને તેમની જમીન નહીં મળે તો જનઆંદોલન છેડવાનો હુંકાર કર્યો હતો.
મોડામાં મેવાણીએ જણાવ્યું કે, જાતિવાદ દૂર થાય અને માનવની માનવ તરીકે ઓળખ થાય તેવા સમાજની રચના થવી જોઈએ. મહિલાઓને લાજપ્રથા ત્યજવા પણ મેવાણીએ હાકલ કરી હતી. અબડાસા, માંડવી, રાપર તાલુકાનાં ગામોની ૧૦૦ એકર જમીન દલિતોને સોંપાઇ છે તે બદલ મેવાણીએ રાજીપો વ્યકત કર્યો હતો.