માંડવી નજીકના મોટાસલાયા ગામના મામદ આમદ તુર્ક અને રઝાક આમદ તુર્કની માલિકીના ‘નિગાંહે મખદુમી’ નામના વહાણમાં ઇલેકટ્રિક શોર્ટસર્કિટના કારણે આગ લાગ્યા બાદ આ વહાણે શારજાહ ખાતે જળસમાધી લીધી હતી. જોકે, વહાણના તમામ ૧૫ ખલાસીઓને સુરક્ષિત બચાવી લેવાયા હતા. માંડવી બંદરે નોંધાયેલું આ વહાણ વિવિધ પ્રકારનો સામાન્ય માલસામાન ભરીને શારજાહથી સલાયા જઇ રહ્યું હતું ત્યારે ૧૬ જૂને સવારે આ દુર્ઘટના સર્જાઇ હતી. અખબારી અહેવાલ મુજબ વહાણના ખલાસીઓ અને શારજાહ બંદર ઉપર કામ કરતા કામદારોએ આગ ઓલાવવા માટે વ્યાપક પ્રયાસો કર્યા હતા, પરંતુ તેમાં સફળતા મળી ન હતી. આ પછી વહાણના તમામ ખલાસીને શારજાહ બંદરે જેટી ઉપર ઉતારીને બચાવી લેવાયા હતા. બાદમાં ટગ દ્વારા વહાણને દરિયાની અંદર લઇ જઇ શારજાહ બંદરથી દસેક નોટીકલ માઇલ દૂર લઇ જવાયું હતું. જયાં વહાણે જળસમાધી લીધી હતી. વહાણવટાના ધંધામાં અત્યારે મંદી છે ત્યારે આ વહાણે હજુ વર્ષમાં બે ટ્રીપ જ કરી હતી. મંદી, નાનીમોટી દુર્ઘટનાઓ અને ચાંચિયાઓના ત્રાસ જેવા પરિબળો વચ્ચે વહાણ વ્યવસાયને જોઇએ તેવા લાભો ન મળતા હોવાના કારણે એક મોટો વર્ગ આ વ્યવસાયથી ધીરેધીરે વિમુખ બની રહ્યો હોવાનું પણ બહાર આવ્યું છે.
કુકમાના હસ્તકળા કારીગરને રાષ્ટ્રીય એવોર્ડઃ ભૂજ તાલુકાના કુકમાના હસ્તકળા કારીગર અમૃતલાલ બેચરલાલ વણકરને ભારત સરકારના વસ્ત્ર મંત્રાલય દ્વારા વર્ષ ૨૦૧૨નો માસ્ટર વીવર્સ નેશનલ એવોર્ડ જાહેર થયો છે. આ એવોર્ડ સિલ્ક બાય કોટન લાખ અને ઇન્ડિકો સાડી માટે જાહેર થયો છે. જેમાં રૂ. એક લાખ રોકડા, તામ્રપત્ર અને એક અંગવસ્ત્રનો સમાવેશ થાય છે. વણકરના જણાવ્યા પ્રમાણે આ સાડી બનાવવામાં તેમને ૧૧ માસ જેટલો સમય લાગ્યો હતો, તેમ જ વેજિટેબલ ડાઇંગમાંથી બનાવેલા ૨૪ કલરનો તેમાં ઉપયોગ કર્યો હતો. આ સાડીની કિંમત અઢી લાખ જેટલી થાય છે. આ સાડી બનાવવામાં કોટન સાથે સિલ્કની પણ મેળવણી કરવામાં આવી છે. સાડીમાં ચાર હજાર તારની ગૂંથવણી કરવામાં આવી છે. તેમના પિતાજીને અગાઉ દેશી ધાબળામાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે સંત કબીર એવોર્ડ પણ મળ્યો છે તથા તેમના પત્ની કંકુબેનને અગાઉ રાષ્ટ્રપતિના હસ્તે કોટન બાય સિલ્કની સાડીમાં નેશનલ એવોર્ડ મળ્યો છે. વસ્ત્ર મંત્રાલયના સહયોગથી તેઓ ઓસ્ટ્રેલિયા, જર્મની, શ્રીલંકા, સિંગાપુર, બેંગકોક, ઇન્ડોનેશિયા વિગેરે દેશોમાં હાથસાળ લઇ કચ્છની હાથવણાટ કલાનું પ્રદર્શન કર્યું છે.