ભુજ: ભારતમાં ૧૯૩૦માં જ્યારે અંગ્રેજ સરકારે ભારતના મીઠા પર કર નાંખ્યો તે સમયે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ સાબરમતીથી દાંડી સુધીની પગપાળા યાત્રા કરીને કાયદાનો ભંગ કર્યો હતો. આંતરરાષ્ટ્રીય સમીકરણોના કારણે ભારતની આઝાદી પછી મીઠાની ખેપ બ્રિટનમાં બંધ થઈ હતી. ભારતની આઝાદીના સાત દાયકા પછી હવે કંડલાથી બ્રિટનમાં મીઠું એક્સપોર્ટ કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે મીઠાની નિકાસ માટે અત્યાર સુધીમાં ઘણા પ્રયાસો કરાયા હતા, પરંતુ ઉચ્ચ માનકોના કારણે તે સંભવ બનતું ન હતું. હવે નમકે આંતરરાષ્ટ્રીય કક્ષાની ગુણવત્તાને પાર કરતાં નિકાસ શક્ય થઈ છે. નમકની પ્રથમ નિકાસમાં ૧૦ ટન જેટલો જથ્થો બ્રિટન પહોંચી ચૂક્યો છે.
નમકની નિકાસથી ભારતમાં વિદેશી હૂંડિયામણમાં પણ વૃદ્ધિ થવાના સંકેત છે. નોંધનીય છે કે સમગ્ર દેશમાં ખપતમાં લેવાતા ૭૦ ટકાથી વધુ મીઠાનું માત્ર કચ્છમાંથી ઉત્પાદન કરાય છે. કચ્છી નમકની આફ્રિકા, મલેશિયા, ગલ્ફ દેશો સહિતના સ્થળે મોટાપાયે નિકાસ પણ થાય છે.