લંગાટાઃ નૈરોબીમાં આવેલા લંગાટામાં ઉજવાઈ રહેલા કચ્છ સત્સંગ સ્વામિનારાયણ નૂતન મંદિર મહોત્સવ વિશ્વમાં ગાજી રહ્યો છે. વેદની ઋચાઓ અને સત્સંગ સંલગ્ન ભક્તિની હેલી અહીં વહી રહી છે. હનુમાનજી ગણપતિ મૂર્તિપ્રતિષ્ઠા, ભુજ સ્વામિનારાયણ મંદિરની કન્યાશાળાની સાંસ્કૃતિક રજૂઆતે અહીં સૌનાં દિલ જીત્યાં હતાં. ૭-૮ના સવારે આચાર્ય મહારાજ અને ભુજ મંદિર મહંત સ્વામીના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ અનુષ્ઠાન સાથે મુખ્ય મૂર્તિઓમાં પ્રાણપ્રતિષ્ઠા કરાઈ હતી.
વિશાળ મંદિરના પ્રવેશે સંગેમરમરના સિંહાસનમાં હનુમાનજી, ગણપતિજી, શિવ-પાર્વતી, રામ-કૃષ્ણની પ્રતિમાઓની પ્રાણપ્રતિષ્ઠા કરાઈ હતી. ભુજ મંદિરના મહંત સ્વામી ધર્મનંદનદાસજી સ્વામી, પુરાણી પ્રેમપ્રકાશદાસજી સ્વામી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત, જ્યોતિષજ્ઞ કેશવપ્રસાદદાસજી સ્વામીએ આ પ્રસંગે સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ કરાવી હતી.
કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિરના આમંત્રણથી દુનિયાના અનેક દેશોમાંથી હરિભક્તો, આંમત્રિતો ઊમટી પડતાં વિશાળ મંદિર અને ૧૦ એકરમાં ફેલાયેલું પરિસર પણ સાંકડું થઈ પડ્યું હતું.
ઉલ્લેખનીય છે કે લંગાટામાં નરનારાયણ મંદિરમાં વહેલી પરોઢે હાથમાં મોંજા, માથે કૂક કેપ, એકરંગી સાડી પહેરીને પાંચ વાગ્યાથી સેંકડો બહેનોના હાથ શાક સુધારતા જોવા મળે છે. એક પણ વ્યક્તિ ધંધાદારી કેટરર નથી કે નથી કોઈ પગારદાર છતાં સમયસર નરનારાયણદેવનું સદાવ્રત હાલમાં લંગાટામાં આરંભાય છે અને રોજના આશરે ૩૦૦૦૦ લોકો અહીં પ્રસાદરૂપે ભોજન લે છે.