મુંબઈઃ કચ્છી સમાજના દેવાદારો પાસેથી નાણાં કઢાવવા માટે શરૂ કરાયેલા કચ્છી સહિયારા અભિયાન હેઠળ આર. એચ. એસોસિયેટ્સના ભાગીદારો સામે આખરે ૨૪મીએ મુંબઇ પોલીસની આર્થિક ગુના શાખા (ઈઓડબ્લ્યુ)માં ગુનો દાખલ કરાયો છે. અનેક રોકાણકારો તેમની બાકી નીકળતી રકમ અંગે ફરિયાદ લખાવવા ધીમે ધીમે આગળ આવી રહ્યા છે. આ પેઢીના છ ભાગીદારો અને તેમના બે સંબંધીઓ સહિત રોકાણ કંપની સાથે સંકળાયેલી આઠ વ્યક્તિઓ સામે છેતરપિંડીનો કેસ દાખલ કરાયો છે. કથિત પેઢી પાસે ૫૪૭ પરિવારોના આશરે ૬૫૦ કરોડ રૂપિયાની રકમ લેણી નીકળતી હોવાનું કહેવાય છે. ઈઓડબ્લ્યુમાં ૭૮ જણે ૧૨ કરોડ રૂપિયાનાં લેણાં નીકળતા હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. આ કેસમાં અનેક રોકાણકારો તેમની બાકી નીકળતી રકમ અંગે ફરિયાદ લખાવવા ધીમે ધીમે આગળ આવી રહ્યા હોવાનું આ કેસના તપાસ અધિકારીએ જણાવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર આ કેસમાં ફરિયાદી ગોરેગાવનો રહેવાસી રાજેશ શાહ (ઉં ૪૫) છે. શાહ એક ખાનગી બેંકમાં વાઈસ પ્રેસિડેન્ટ તરીકે કામ કરે છે. રોકાણકારો રકમ પાછી ખેંચી લેવાની ઇચ્છા વ્યક્ત કરે તો તેઓ એક મહિનાની અંદર પૈસા પાછા આપી દેશે.
શાહે આરોપ લગાવ્યો છે કે, રમણિક હસમુખ એસોસિયેટ દ્વારા વર્ષ ૨૦૧૬માં દર મહિને એકથી સવા ટકા વ્યાજ ઓફર કરીને રોકાણની લાલચ અપાઈ હતી. પેઢી તરફથી રોકાણકારોને સ્વીકૃતિ તરીકે પ્રોમિસરી નોટ આપી હતી અને પેઢીના સંબંધિત અધિકારીઓ દ્વારા તેની પર પણ સહી કરવામાં આવી હતી. એક ખાનગી બેંકમાં સિનિયર પોસ્ટ પર કામ કરતા શાહને કથિત પેઢીએ વચન પણ આપ્યું હતું કે જો રોકાણકારો રકમ પાછી ખેંચી લેવાની ઇચ્છા વ્યક્ત કરે તો તેઓ એક મહિનાની અંદર પૈસા પાછા આપી દેશે. શાહે રૂ. ૪૮ લાખનું રોકાણ કર્યું અને શરૂઆતમાં નિયમિત રૂપે વ્યાજ મેળવ્યું હતું. જોકે ૧ જાન્યુઆરી, ૨૦૧૮થી તેમને કોઈ વ્યાજ કે રકમ પરત આપવા માટે કરેલી વિનંતીનો જવાબ પેઢી તરફથી મળ્યો નથી, જેના પગલે તેણે ફરિયાદ નોંધાવી છે.
કઈ રીતે છેતરપિંડી કરી?
માટુંગામાં ઓફિસ ધરાવતા મેસર્સ આર. એચ. એસોસિયેટ્સ પેઢી નાણાંના ધીરદાર દલાલ હતા. તેઓ રોકાણકારો પાસેથી નાણાં લઈને અન્ય કંપનીમાં રોકાણ કરતા હતા. કોઈ કંપની કે પેઢી તેના હસ્તકના રોકાણકારોનાં નાણાં ડુબાડી નહીં શકે તે માટે ગેરન્ટી પેટે તેઓ રોકાણકારોને ચૂકવવાના નક્કી કરેલા વ્યાજમાંથી વધારાના ૨૦ પૈસા લેખે કાપી લેતા હતા અને રોકાણ માટે કમિશન અલગથી લેતા હતા, પરંતુ હકીકતમાં પેઢી દ્વારા ૭૦ કરોડ રૂપિયા જ અન્ય પેઢી કે કંપનીમાં રોકાણ કર્યું છે. બાકીની તમામ રકમ તેઓએ કંપનીના ભાગીદારોના વેપારોમાં રોકાણ માટે લઈને વાપરતા હતા, જે રોકણકારોને જયારે વ્યાજ ચૂકવવાનું બંધ કરી દીધું એ પછી આ પઢી અને રોકાણકારો વચ્ચે સમાજના આગેવાનોની મિટિંગ થઇ ત્યારે પાછળથી ખબર પડી હતી કે રોકાણકારોને ખોટા સિક્કા મારીને નાણાં રોકાણ અન્ય પેઢીમાં કર્યું છે તેવું જણાવતા હતા.
અનેક રોકાણકારોની જીવનનિર્વાહ માટેની મૂડી હોઈ જરૂરના સમયે નાણાં પરત નહીં મળતાં તેઓની હાલત કફોડી બની ગઈ હતી
એક અંદાજ મુજબ આ પેઢીમાં ૧૫૦ કરોડ જેટલી રકમ રોકાણકારોની એક નંબરની મૂડી છે, જયારે બાકીના રોકડથી લઈને પેઢીના સંચાલકોએ તે અંગે પ્રોમિસરી નોટ આપી છે. શરૂઆતનાં થોડાં વર્ષોમાં રોકાણકારોનો વિશ્વાસ કેળવવા નિયમિત વ્યાજ આપ્યું હતું અને બાદમાં વ્યાજ અને મુદ્દલ આપવા માટે ઠાગાઠૈયા કરાયા હતા. અનેક રોકાણકારોની જીવનનિર્વાહ માટેની મૂડી હોઈ જરૂરના સમયે નાણાં પરત નહીં મળતાં તેઓની હાલત કફોડી બની ગઈ હતી. આ પછી ઘાટકોપર, બોરીવલી અને મુલુંડમાં રહેતા ભાગીદારો પાસે બાકી નીકળતી રકમ વસૂલ કરવા માટે કચ્છી રોકાણકારો આક્રમક બન્યા હતા અને મોટી સંખ્યામાં મુલુંડમાં અને ઘાટકોપરમાં એકઠા થઈ મૂકમોરચો પણ કાઢ્યો હતો.