કોટડા: ભુજ તાલુકાના નાના રેહા ગામે નિર્માણ પામતા શિવાલયના મંદિરે આરતી થાય એ સમયે એક ગાય અચૂક આવી પહોંચે છે. છેલ્લા ચાર વરસથી ગામના ખેડૂત સવાઇસિંહ વેરસલજી જાડેજાની ગાય તે વાછરડી હતી ત્યારથી અંદાજે સાડાચાર વરસથી સંધ્યા આરતી વખતે સાંજે ગાયોના ધણમાંથી કે પોતાના માલિકની વાડીએથી ઘેર જવાના બદલે પહેલાં ગામના શિવમંદિર પાસેની દેરી પાસે પહોંચી જાય છે. ચાર વર્ષની આ ગાયે હમણા વાછડીને જન્મ આપ્યો. સવારે તેણે વાછડીને જન્મ આપ્યો ને સાંજે સંધ્યા વખતે નબળી તબિયત છતાં ગમે તેમ કરીને મંદિરે પહોંચી ગઈ.
ગામના માજી સરપંચ મંગલજી હઠુભા જાડેજા કહે છે કે, ચોમાસું હોય શિયાળો હોય કે પછી ઉનાળો. સિઝન ગમે તે હોય આ ગાયનો મંદિરે આવીને પછી જ વાડીએ જવાનો આખા ગામને અચરજ પમાડતો નિયમ અટલ છે.
મંગલજી હઠુભા જાડેજાની માલિકીની જમીન ભગવાન દ્વારકાધીશના શિખરબંધ કૃષ્ણમંદિર માટે દાનમાં અપાઇ છે. ગામલોકોએ તે સ્થળે શિખરબંધ કૃષ્ણમંદિરનું બાંધકામ શરૂ કર્યું છે. મંદિરનું બાંધકામ ચાલુ છે. સમગ્ર બાંધકામની વ્યવસ્થા સંભાળનારા પથુભા જાડેજા કહે છે કે અમે મંદિરના જિર્ણોદ્ધારના કામ માટે કે આરતી માટે મોટેભાગે મંદિરે હાજર હોઈએ છીએ ત્યારે નવાઈ લાગે કે, ગ્રામજનોની સાથે સાથે આ ગાય શ્રદ્ધાથી આરતીમાં જોડાય અને પછી પોતાના રસ્તે ચાલતી થઈ જાય છે. ગામલોકો તેની આ નિયમિતતાને ભારે શ્રદ્ધાથી જુએ છે.