ભુજઃ દેશી અને વિદેશમાં વસતા આહીરો દ્વારા સમાજને ઋણ અદા કરવાની ઈચ્છા સાથે અનેક સેવાકાર્યો થઈ રહ્યાં છે. તાજેતરમાં અંજાર પાસે ૨૫૦૦ દીકરીઓ માટે છાત્રાલય, સંસ્કૃતિ દર્શન, વૃક્ષારોપણ, ગોવર્ધન પર્વત, વિશ્વની સંભવત: પ્રથમ નંદીશાળાની મુલાકાત લેતાં આફ્રિકાનિવાસી કચ્છી દાતા કે. કે. પટેલે આ ઉમદા કાર્યની અને સમાજની પ્રશંસા કરી હતી. રાજ્ય પ્રધાન વાસણભાઈ આહીરના આમંત્રણથી સામત્રાના આફ્રિકાવાસી ઉદ્યોગપતિ અને કચ્છી દાનવીર કે. કે. પટેલે આહીર સમાજના કાર્યોને નિહાળ્યા હતા. જેમાં ત્રિકમદાસજી મહારાજના અધ્યક્ષસ્થાને શરૂ કરાયેલી નંદીશાળા કે જેમાં ૫૦૦થી વધુ આખલાનું પોષણ થઈ રહ્યું છે. ગૌશાળા તો સૌ શરૂ કરે, પણ નંદી સંવર્ધનનું આ કાર્ય જોઈ પ્રભાવિત થયા હતા. રા'નવઘણને આશરો આપનારા દેવાયત બોદર કુળમાં કન્યા કેળવણી અને સ્ત્રી સશક્તિકરણના મહિમા અને શૌર્યથી તેઓ પ્રભાવિત થયા હતા. માતૃ પ્રતિભાઓની ખીલવણી માટે કન્યાશાળા, છાત્રાલયનું નિર્માણ-સુવિધાઓ, જળસંચય, ગોવર્ધન પર્વત પર વૃક્ષારોપણ, આહીર સંસ્કૃતિની ઝાંખી કરાવતું વિશિષ્ટ પ્રદર્શન સૌએ નિહાળ્યું હતું.
કે. કે. પટેલે કહ્યું હતું કે, આ પ્રગતિ દરેક સમુદાયે અનુસરવા જેવી છે. પટેલપટ્ટીના ગામોએ ભૌતિક વિકાસ સાધ્યો છે, પણ વૃક્ષારોપણની ક્રાંતિ હજી બાકી છે. આહીરાત તે માટે પ્રેરક છે. મુલાકાતી જૂથે રતનાલના તળાવો, ક્રિકેટ મેદાનની મુલાકાત પણ લીધી હતી. દાતાના સન્માન કરાયા હતા. ગોપાલભાઈ માતા, માદેવા માતા, વાસણ વિશા માતા, મકનજી વિરાણી, રણછોડભાઈ આહીર, ત્રિકમભાઈ આહીર, પીયૂષભાઈ પૂજારા, ડી. સી. ઠક્કર સહિત આમાં જોડાયા હતા. દાતા કે. કે. પટેલે નંદીશાળા અને ગોવર્ધન પર્વતના વિકાસમાં સહભાગી બનવાના વાસણભાઈ આહીરના અનુરોધને સ્વીકારી સહકારની ધરપત આપી હતી. શિક્ષક વસંત પટેલ, કેરાના અગ્રણી પ્રેમજીભાઈ ગામી સાથે રહ્યા હતા.