ભારતના ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી ગત સપ્તાહે કચ્છની બે દિવસની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે પાકિસ્તાનની સરહદે ધોરડો પાસે આવેલા શ્વેત રણની મુલાકાત લીધી હતી અને કચ્છ યુનિવર્સિટીના પદવીદાન સમાંરભમાં પણ ઉપસ્થિત રહ્યા હતા. કચ્છના છેવાડાના ગામ સુધીનો વિકાસ અને પ્રવાસનક્ષેત્રે મળેલી અદભત સફળતા જોઇને ખુશી વ્યક્ત કરતાં ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, ‘ગૂડ વ્હાઇટ ડેઝર્ટ...!’. ભૂજ એરપોર્ટ પર ગુજરાતના રાજ્યપાલ ઓ.પી. કોહલીએ તેમનું સ્વાગત કર્યું હતું. સફેદ મીઠાના રણમાં પ્રવેશ કરતાં જ દૂર સુધી દેખાતી ચળકતી સફેદી જોઇને તેમણે કચ્છના કલેકટર મહેન્દ્ર પટેલ અને ધોરડોના સરપંચ મિયાં હુશેનને પૂછયું કે ‘યે ઇતની સફેદી કહાં સે આઈ..? વાકે હી કુદરતને કચ્છ કો યે નમક સરોવર કી ભેટ દેકે કમાલ કિયા હૈ....’. આ ઉપરાંત તેમણે ધોરડો ગામે સરકાર નિર્મિત સ્માર્ટ સ્કૂલની મુલાકાત લીધી હતી. કચ્છમાં તેમણે કચ્છી સંસ્કૃતિને જાણી હતી અને કચ્છની રહેણી-કરણી વિષે માહિતી મેળવી હતી.
બ્રિટિશ નાગરિક ટોર્નાટ્રેસીડેન દ્વારા ૪૦ વર્ષની મહેનત પછી તૈયાર થયેલું પુસ્તક ‘વુલન થ્રેડ’ ઉપરાષ્ટ્રપતિને ભેટ આપવામાં આવ્યું હતું. આ પુસ્તકમાં ધોરડો ગામના પરંપરાગત આભૂષણો-વસ્ત્રો, સંગીના સાધનો, તહેવાર વગેરેનું વર્ણન કરવામાં આવ્યું છે. ઉપરાષ્ટ્રપતિએ બન્નીની ભેંસની માહિતી પણ મેળવી હતી. ટેન્ટસિટીમાં ઊભા કરાયેલા પ્રદર્શન સ્ટોલ, રણમાં સાહસિક રમતો, ઊંટ અને અશ્વ ખેલ પણ નિહાળ્યા હતા.