ભુજઃ સદીઓથી દુષ્કાળિયા ગણાતા રણપ્રદેશ કચ્છમાં એક સમયે વિવિધ પ્રકારનાં પશુ-પક્ષીઓ, પાણીનાં ઝરણાં, માછલીઓ તો ઠીક, જિરાફ અને હાથીનાં ઝુંડ, વિશાળકાય મગરમચ્છો અને હિપોપોટેમસ જેવાં પ્રાણીઓ વિચરતાં હોવાનું ‘હિસ્ટોરિકલ બાયોલોજી’ નામના જર્નલમાં પ્રગટ થયેલા એક અભ્યાસપૂર્ણ સંશોધન લેખમાં જણાવાયું છે.
ભારત અને ફ્રાન્સના સંશોધકોએ કચ્છના રાપર તાલુકાના પલાસવા ગામથી મળી આવેલા જીવાશ્મિ પર ૧૨ વર્ષ સુધી સંશોધન કરીને આ તારણ મેળવ્યું હોવાનો આ અહેવાલમાં ઉલ્લેખ છે. આ સંશોધન-ટીમમાં વિવેશ કપૂર, માર્ટિન પિકફોલ્ડ, ગૌરવ ચૌહાણ અને કચ્છ યુનિવર્સિટીના વરિષ્ઠ વૈજ્ઞાનિક સંશોધક ડો. મહેશ ઠક્કરનો સમાવેશ છે. આ સંદર્ભમાં ડો. મહેશ ઠક્કરે એક અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાપર તાલુકાના પલાસવા ગામથી પાંસળીઓનાં કેટલાક હાડકાં, દાંત અને હાડકાંના અવશેષો મળી આવ્યા હતા. જેના પર આ સંશોધન કરવામાં આવ્યું હતું.
હાલમાં ગરમ અને સૂકી આબોહવા ધરાવતો રણપ્રદેશ કચ્છ એક સમયે ભેજવાળી આબોહવા ધરાવતો એક વિસ્તાર હતો અને ત્યાં ગાઢ જંગલ ફેલાયેલાં હતાં. ૧૪૦ લાખ વર્ષ પહેલાં માયોસેન તરીકે ઓળખાતા ભૌગોલિક સમયગાળા દરમિયાન કચ્છની ધરતી પર હિપોપોટેમસ અને જિરાફ સહિતનાં પ્રાણીઓ વિશાળ સંખ્યામાં વિચરતા હતાં. ઉલ્લેખનીય છે કે કચ્છમાં અત્યાર સુધીમાં મળી આવેલા મોટા ભાગના જીવાશ્મિઓ દરિયાઈ છે, કારણ કે કચ્છ
પ્રદેશ દરિયાને અડીને આવેલો જિલ્લો છે.
આ સંશોધન દરમિયાન એ પણ જાણવા મળ્યું છે કે સસ્તન વર્ગનાં પ્રાણીઓ કેવી રીતે આફ્રિકા ખંડથી છેક ભારતીય ઉપખંડ સુધી વિસ્તર્યાં હતાં. એ વાત આશ્ચર્યજનક અને રોમાંચકારી છે કે કચ્છમાં પણ આફ્રિકા ખંડની જેમ જિરાફ, હિપોપોટેમસ, હાથીઓ અને મહાકાય મગરમચ્છોની હાજરી હતી. કચ્છમાંથી અનેક જીવાશ્મિઓ મળતા રહ્યા છે અને આવા જળચર અશ્મિઓનો વ્યાપ કચ્છથી પાકિસ્તાન થઈને છેક નેપાળ સુધી વિસ્તરેલો છે.