વડોદરાઃ મહારાજા સયાજી યુનિવર્સિટીના આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટના પ્રોફેસર અને પીએચડી વિદ્યાર્થીઓએ અને બ્રિટિશ મ્યુઝિયમની ટીમે માંડવી તાલુકાના નાની રાયણ ગામમાં દેશનું પ્રથમ ઉત્ખનન કરી ક્ષત્રપથી લઇ સોલંકી રાજ્યના સમયની ૧૫૦૦થી ૧૮૦૦ વર્ષ જૂની પૌરાણિક વસ્તુની શોધખોળ કરી છે.
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ આર્ટ્સના આર્કિયોલોજી એન્ડ એન્સન્ટ હિસ્ટ્રી ડિપાર્ટમેન્ટના પ્રોફેસર અને પીએચડી વિદ્યાર્થીઓએ બ્રિટિશ મ્યુઝિયમની ટીમ સાથે સંયુકત ઉપક્રમે કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા નાની રાયણ ગામમાં દેશનું પ્રથમ ઉત્ખનન કર્યું હતું. જેમાં ૧૫૦૦થી ૧૮૦૦ વર્ષ જૂની પૌરાણિક વસ્તુઓની શોધખોળ કરી છે. આ ઉત્ખનનમાં ડિપાર્ટમેન્ટના પ્રો. પ્રતાપચંદ્રન, પીએચડીના વિદ્યાર્થી ઋત્વિક બલવીલ, શ્રીસમર્થ ઇનામદાર અને ચિન્મય પંડ્યા તેમજ બ્રિટિશ મ્યુઝિયમ વિભાગની રિસર્ચ ટીમમાંથી ડો. રોબર્ટા ટોમ્બર, ડો. રોબર્ટ હાર્ડિંગ, જેક પિંક અને વિલિયમ મિલ્સે સંશોધનમાં મહત્ત્વનો ભજવ્યો હતો. આ સાથે બ્રિટિશ મ્યુઝિયમની ટીમે સાયન્ટિફિક સરવે પણ કર્યો હતો.
જનજીવન ઉપયોગી ચીજવસ્તુઓ
યુનિ.ના આર્કિયોલોજી વિભાગની ટીમે આ સાઇટ પર ૨૦ દિવસના સમયગાળામાં ઉત્ખનન કરી ૨૩મીએ જણાવ્યું કે, અહીં વિવિધ સમયકાળની પોટરી, ક્ષત્રપથી લઇ સોલંકી રાજ્યના સમયમાં મહિલાઓએ શણગારમાં પહેરવામાં ઉપયોગમાં લીધેલી જુદીજુદી કોતરણીવાળી બંગડીઓ, તાંબાની ભટ્ટીઓ અને વિવિધ પ્રકારના પથ્થરના બીડ્સ,કોઇન્સ, કપોર પેન્ડ્લ્ટસ, ઈંટો, કૂવા, માટીનાં વાસણો, સીલ, મણકા, રમકડાં, મકાનની દીવાલોનું સંશોધન કર્યું છે. પ્રો. પ્રતાપચંદ્રને જણાવ્યું હતું કે, હાલ સરવે કર્યો છે. જ્યાં ખેતરની ઊંચાઈ વધારે છે અને બાજુમાં નદીનો ભાગ છે. જેથી સાઇડમાં દીવાલોના અવશેષો હોવાની શક્યતા છે. નદી મારફતે અહીં રોમન લોકો આવ્યા હોય તેમ મનાય છે.