ભુજઃ દેશના પશ્ચિમ છેડે પાકિસ્તાન સરહદને અડીને આવેલા કચ્છનું ભુજોડી એક એવું ગામ છે, જ્યાં ૨૫૦ કુટુંબમાંથી ૧૫૦ કારીગર અને તેમાંથી ૨૮ તો દેશના પ્રતિષ્ઠિત શિલ્પગુરુ સહિત રાષ્ટ્રીય અને રાજ્ય પારિતોષિક વિજેતા છે. દેશ-વિદેશમાં ગરમશાલનું વેચાણ કરી પ્રખ્યાતિ મેળવેલું નાનકડું ગામ ઉનના વણાટકામમાં અવ્વલ છે. ભુજ તાલુકાના ભુજોડી ગામ જેની મુખ્ય વસાહત છે, એવા વણકર સમાજના ભાટના જણાવ્યા મુજબ ૮૦૦ વર્ષ અગાઉ થયો છે.
ભોજો નામના રબારીએ વસાવેલા ગામમાં ૧૬૦૦ વણકર અને ૭૦૦ જેટલા રબારી અહીં વણાટકામમાંથી વર્ષે રૂ. ત્રણ કરોડથી વધુનો વ્યાપાર કરે છે.
પોતાની સુઝબુઝથી ડિઝાઇન કરી શાલ અને અન્ય અનેક આઇટમ બનાવતા વણકર સમાજના અગ્રણી ગાભુભાઇ વણકરના જણાવ્યા પ્રમાણે વણકર સમાજ વણાટનું કામ વંશ પરંપરાગતથી કરે છે. કોઇ પણ કારીગર બહાર શીખવા નથી જતો. તેમને આત્મસુઝ હોય છે. માત્ર ગરમ શાલ નહીં, અન્ય વસ્તુઓ પણ બનાવે છે. જેવી કે, કચ્છી ધાબળા, સ્ટોલ, શેતરંજી, ગાલીચા, નેપકીન, ટેબલ મેટ અને આસન જેવી અનેક વેરાયટીઓ માર્કેટની માંગ મુજબ બનાવીએ છીએ. શિયાળાની મુખ્ય ઋતુ વ્યસાય માટે લેખાય છે. રણોત્સવ બાદ પ્રવાસીઓ વધ્યા છે, પરંતુ એક સમસ્યા ઉભી થઇ છે કે, અગાઉ સતત ટુરિસ્ટ આવતા તેને બદલે હવે માત્ર ત્રણ મહિનામાં મોટી સંખ્યામાં લોકો આવે છે, બાકીના નવ મહિના પાંચ ટકા પણ ધંધો નથી હોતો. જેથી એક સાથે બનાવીને રાખવું પડે, જેને કારણે રોકાણ વધી જાય. તો બીજીતરફ ટર્નઓવર વધ્યો છે.