કેરાઃ ઓમાનમાં ૫૦ હજારથી વધુ ગુજરાતી શ્રમિકોમાં ૧૧ હજાર કચ્છી શ્રમિકો અને અમુકના પરિવારોનો પણ સમાવેશ થાય છે. ઓમાનમાં કોરોના કેસ ઝડપથી વધી રહ્યા છે. રૂઇ, મથરા, હમરિયા શહેરો સંપૂર્ણ બંધ છે. લોકડાઉન સ્વયંભૂ છે જોકે શ્રમિકો ત્યાં સુરક્ષિત હોવાનું એક અખબારી અહેવાલ દ્વારા જાણવા મળ્યું છે.
મસ્કત ગુજરાતી સમાજના અગ્રણી ચંદ્રકાંતભાઈ ચોથાણીએ એક અહેવાલમાં જણાવ્યા મુજબ સરકારે પણ આવકાર્ય પગલાં ભર્યાં છે. પોઝિટિવ દર્દીઓ માટે અલાયદા કોમ્પલેક્સ બનાવાયા છે. ૩૦થી ૪૦ વયજૂથના બે અને ૫૦થી ૬૦ જૂથના એક એમ કુલ ત્રણ ગુજરાતીઓને સંક્રમણ થતાં સરકારી દવાખાનામાં લઈ જવાયા છે જે સારવાર હેઠળ છે. તેમણે ઉમેર્યું કે, મસ્જિદ, બંદર, ચર્ચ, સ્કૂલ બંધ છે. ટેક્સી, બસ, મોટા મોલ બંધ છે. સુલતાન અને સરકાર પરિસ્થિતિ પ્રમાણે માવજત લઈ રહ્યા છે. ખીમજી રામદાસ કંપનીના કનક શેઠ અને અનિલ શેઠ સુલતાન અને મિનિસ્ટ્રીના સંપર્કમાં છે.
ભારતીય દૂતાવાસ પણ પૂછપરછ કરે છે. ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ માહિતી મેળવતા હોવાનું જાણવા મળ્યું છે. દરમિયાન, જ્યાં સૌથી વધુ કચ્છી કામદારો છે તેવા કચ્છી ગુલાબ શેઠની અલ તુર્કી કન્સ્ટ્રક્શન કંપનીની બાંધકામ સાઈટ ચાલુ હોતાં કચ્છમાં વસતા આપ્તજનોમાં ચિંતા છે તે સબબ ફોરમેન ભૂપેન્દ્ર વાગડિયાએ જણાવ્યું કે, ભારતથી આવેલા કામદારોને ૧૪ દિવસ ક્વોરેન્ટાઈન કરાયા હતા. મજૂરોને સાઈટ પર લઈ જતી બસોમાં ૬૦ની જગ્યાએ ૪૯ વ્યક્તિ બેસાડાય છે. મેસમાં છના ટેબલ પર ચાર બેસાડાય છે. જમવા માટે શિફ્ટ કરી દેવાઈ છે એટલે બીક જેવું નથી. અલ્ધવા કંપનીના કાંતિભાઈ છભાડિયા કહે છે કે બાંધકામ ચાલુ રાખવાનો નિર્ણય એટલે યોગ્ય છે કે લોકો છૂટા-છૂટા થઈ શકે, કેમ્પમાં બધા ભેગા થાય તો સંક્રમણની શક્યતા વધી જાય છે. જેની પાસે જેટલું બિલ્ડિંગ મટિરિયલ છે તે તેટલા વખત ચાલુ રાખી શકશે. હાર્ડવેરની દુકાનો બંધ છે.
મરકઝના બનાવથી દુઃખ
ઓમાનમાં વસતા કચ્છીઓ જણાવે છે કે આ દેશ ઈસ્લામિક છે છતાં મસ્જિદો બંધ છે. કોઈ ધાર્મિક કાર્યક્રમો થતા નથી. પેઢીઓ કે કંપનીઓ આરબ પરિવારોને મદદ કરે છે. આવા કપરાં કાળમાં ઓમાનમાં વસતા લાખો ભારતીયો ઓમાની સરકારના એક એક નિર્દેશનું પાલન કરે છે. મરકઝની આ ઘટનાને ઓમાની લોકો પણ વખોડી રહ્યાનું જાણવા મળ્યું હતું.