ગાંધીધામ: મુંબઈની વિમાનીસેવા બંધ પડયા પછી કચ્છના પ્રવાસીઓને મુશ્કેલી વેઠવી પડે છે ત્યારે જ કંડલાથી અમદાવાદની વિમાનીસેવા શરૂ થતાં તેને સારો પ્રતિસાદ મળ્યો છે. ૧૫મીએ અહીંના એરપોર્ટ ઉપરથી ૬૬ પ્રવાસીઓને લઈને ટ્રુ જેટનું પ્રથમ વિમાન રવાના થયું હતું.
બપોરે ૩.૧૫ વાગે ટ્રુ જેટના એટીઆર પ્રકારના વિમાને અમદાવાદ માટે ઉડાન ભરી હતી. ૭૦ બેઠકની ક્ષમતાવાળા આ વિમાનમાં ૬૬ પ્રવાસી સવાર થયાં હતાં. અમદાવાદ માટે અગાઉ પણ ખાનગી વિમાનીસેવા શરૂ કરાઈ હતી, પરંતુ તેને સારો પ્રતિસાદ મળ્યો નહોતો. કંડલાથી મુંબઈ કે દિલ્હીની સુધી વિમાનીસેવા ન હોવાથી સંભવત: આ કારણે ટ્રુ જેટની આ સેવાની પ્રથમ જ ફલાઈટ લગભગ ફુલ થઈ ગઈ હતી. મુસાફરો પણ કંડલા એરપોર્ટથી ઉમંગ સાથે આ પ્રથમ ફલાઈટમાં સવાર થયા હતા.