ગાંધીધામઃ કેન્દ્ર સરકારે દેશના અનેક શહેરોને સ્માર્ટ સિટી બનાવવાનું સ્વપ્નું સેવ્યું છે. જેમાં મહાબંદર કંડલા અને ગાંધીધામને જોડીને સ્માર્ટ સિટી બનાવવાનું વિચારી રહી છે.
કંડલા પોર્ટ ટ્રસ્ટ (કેપીટી)ના ઇન્ચાર્જ ચેરમેન રવિ એમ. પરમારે કેન્દ્ર સરકારના નિર્દેશ પ્રમાણે કંડલા તથા ગાંધીધામ સંકુલને જોડીને એક સ્માર્ટ સિટી વિકસાવવા નેમ વ્યક્ત કરી હતી. આ માટે તુરંત કન્સલ્ટન્ટની નિમણૂક કરવાની જાહેરાત પણ કરી હતી.
વર્ષ ૨૦૧૪-૧૫માં ૧૦૦ મિ. મેટ્રિકટન માલ હેરફેરનો જાદુઇ આંક પાર થઇ જવાની ધારણા મંદી સહિતનાં અનેક કારણોસર સાચી પડી નહીં તેમ છતાં ૩૦ મિ.મેટ્રિકટન ડ્રાય કારગો હેન્ડલ કરીને આ બંદરે નવો રેકોર્ડ સ્થાપ્યો છે. વિતેલાં વર્ષમાં વાડીનાર અને કંડલા મળીને કુલ ૯૨.૫ મિ.મેટ્રિકટન કારગો હેન્ડલ કરાયો છે. ત્યારે દેશામાં અગ્રણી એવા આ મહાબંદરને અવ્વલ સ્થાને જાળવી રાખવા તેની ક્ષમતા વધારતા અનેક પ્રોજેકટ હાથમાં લેવાયા હોવાનું તેમણે જણાવ્યું હતું.