ગાંધીધામઃ કચ્છના કંડલા બંદરને ભારતનું પ્રથમ સ્માર્ટ પોર્ટ સિટી બનાવવાનું કેન્દ્ર સરકારનું આયોજન છે. આ અંગે કેન્દ્રીય બંદર તથા વાહનવ્યવહાર પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, આ માટે બ્લૂ પ્રિન્ટ તૈયાર થઇ છે અને કંડલા બંદરમાં અત્યાધુનિક સુવિધા સાથેની ટાઉનશીપ તૈયાર કરાશે. આ સાથે કંડલાને શિપ બ્રેકિંગ ઉપરાંત શિપ, હોવરક્રાફ્ટ અને એરોપ્લેન મેન્યુફેક્ચરિંગનું ઇન્ટરનેશનલ હબ બનાવવાનો વિશેષ પ્રોજેક્ટ કેન્દ્ર સરકારે હાથ ધર્યો છે. મુંબઈ ખાતે યોજાયેલી વીડિયો કોન્ફરન્સ દ્વારા નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, ગુજરાતનો વિકાસ અમારી પ્રાથમિકતામાં જ છે. અમે કંડલાને પોર્ટ સ્માર્ટ સિટી તરીકે વિકસાવવાની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી છે. ટૂંક સમયમાં આ દિશામાં કામગીરી આગળ વધશે. કંડલામાં શિપયાર્ડ ઉપરાંત અલંગ શિપ બ્રેકિંગ યાર્ડને પણ અદ્યતન બનાવવાનું કામ હાથ ઉપર લેવાયું છે.