ભુજ: દક્ષિણ આફ્રિકાના યુગાન્ડા દેશમાં કચ્છીઓએ ઘણો વિકાસ કર્યો છે. તાજેતરમાં યુગાન્ડાના પાટનગર કંપાલામાં કચ્છ સત્સંગ સ્વામીનારાયણ નૂતન મંદિરમાં પાયાવિધિ સાથે ત્રિદિવસીય મહોત્સવ ઉજવાયો હતો. નૂતન સંકુલમાં મંદિરની ખાતમુહૂર્તવિધિ સમયે કચ્છ સત્સંગના પુરાણી ધર્મનંદનદાસજી સ્વામીએ યુગાન્ડામાં હરિભકતોની મહેનત, ભગવાનમાં શ્રદ્ધા, વડીલ સંતોનાં આશીર્વાદને બિરદાવ્યા હતાં.
કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગતે મુખ્ય દાતા હસમુખભાઇ ભુડિયા પરિવારના કેશવલાલભાઇ ભુડિયા, કાનજીભાઇ ભુડિયા, અરવિંદભાઇ ભુડિયાને યાદ કર્યાં હતાં અને આ પરિવારની સમાજ અને સત્સંગ સેવાઓને શિરમોર લેખાવી હતી.
સંકુલમાં વિવિધ સુવિધાઓનો સંકલ્પ
ભુજ મંદિરના મહંત પુરાણી ધર્મનંદનદાસજી સ્વામી, સંતો અને હરિભક્તોની ઉપસ્થિતિમાં ફોટડી-કચ્છના અને મોમ્બાસા સ્થિત હસમુખભાઇ કાનજી ભુડિયા પરિવારના હસ્તે ત્રિદિવસીય ઉત્સવમાં ત્રિશિખરીય મંદિર નિર્માણનું મંગળાચરણ કરાયું હતું. સંકુલમાં આવાસ યોજના, શાળા, રમતગમત મેદાન, દવાખાનું સહિતની સુવિધાઓનું નિર્માણ પણ થશે. આ સંકુલનું નામ સ્વામીનારાયણ કોમ્પ્લેક્સ રખાયું છે.
ઇ. સ. ૧૯૯૮માં ઉપાસ્ય દેવોની પ્રતિષ્ઠા અમદાવાદ ગાદીના તત્કાલીન આચાર્ય તેજેન્દ્રપ્રસાદજી મહારાજ અને ભુજ મંદિરના વરિષ્ઠ સંતોના હસ્તે કરાઇ હતી. એ પછી કચ્છી દાતાઓનાં દાન થકી ભૂમિદાન પ્રાપ્ત થયું હતું અને નકશા મંજૂર થતાં બાવીસ સંતોની નિશ્રામાં કંપાલા મંદિર અને કચ્છી લેવા પટેલ જ્ઞાતિના અગ્રેસરોના વડપણમાં પ્રથમ ઇંટ મુકાયાનો અવસર મનાવાયો હતો. સભાપતિ શાસ્ત્રી અક્ષરપ્રકાશદાસજી સ્વામીએ આ બદલ ઉત્કટ ભાવ વ્યકત કર્યો હતો.
બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ
યુગાન્ડામાં વિવિધ પ્રાંતમાં વસતા હરિભકતો તેમજ કેન્યાના નાઇરોબી, મોમ્બાસા, એલ્ડોરેટ, કિસુમુ આદિ સ્થાનોથી બહોળી સંખ્યા ઉપસ્થિત રહી હતી. આ પ્રસંગે ખાસ કરીને મંદિર નિર્માણ માટે યથાશક્તિ આર્થિક સેવા કરનાર ભકતોને સન્માનવામાં આવ્યા હતા. કથાવાર્તા, કીર્તનભક્તિ, સંતોના આશીર્વાદ, સમાજ અગ્રેસરોના ઉદ્બોદન યોજાયા હતા. મંદિરના ચેરમેન હીરજી રવજી જેસાણી, ટ્રસ્ટી પરબતભાઇ ભીમજી સિયાણી, કચ્છી લેવા પટેલ સમાજ કંપાલાના ચેરમેન નીતિનભાઇ માવજી વેકરિયા સહિત કમિટીના સભ્યોની પણ ઉપસ્થિતિ હતી.
આ અવસરે પ્રસાદ ભોજનમાં સત્સંગી ભાઇ-બહેનોએ વ્યવસ્થા સંભાળી હતી. સંપૂર્ણ આયોજનનો મદાર યુવાન ભાઇ-બહેનોએ સંભાળ્યો હતો. ઉત્સવમાં પૂર્વ આફ્રિકા કણબી કમ્યુનિટીના અગ્રેસર ઉદ્યોગપતિ અને દાતા હસમુખભાઇ કાનજી ભુડિયા પરિવારની હાજરી પ્રેરક અને ઉત્સાહ વધારનારી રહી હતી. આ નિર્માણના પ્રારંભથી કચ્છથી કેન્યા, યુકે., ઓસ્ટ્રેલિયા, આફ્રિકાવાસી કચ્છી કણબી જ્ઞાતિમાં આનંદની લાગણી પ્રસરી હતી અને યુગાન્ડાવાસી ભાઇ-બહેનોને ઐતિહાસિક કાર્ય માટે શુભેચ્છા આપી હતી.