અમદાવાદઃ ગુજરાતમાં પાકિસ્તાન સરહદનો કેટલોક વિસ્તાર હજુ પણ ફેન્સિંગ વગરનો છે. જૂન-૨૦૧૭ સુધીમાં ૫૧૨ કિલોમીટરની સરહદમાંથી ૨૮૦ કિલોમીટરમાં જ ફેન્સિંગ છે. ફેન્સિંગ ન હોવાના કારણે ઘૂસણખોરીના બનાવો અહીં નોંધાતા રહે છે. ગુજરાતમાં આવેલી પાકિસ્તાન સરહદના ૫૧૨ કિલોમીટરમાંથી ૨૮૦ કિલોમીટર વિસ્તારમાં જ ફેન્સિંગ એટલે કે વાડ બાંધવામાં આવી છે. બાકીના વિસ્તારમાં સરહદનું સીમાંકન કરતા અવરોધો મૂકાયા નથી.
ભારત અને પાકિસ્તાન વચ્ચે લગભગ ૨૯૦૦ કિલોમીટરની સરહદ છે. જે ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને જમ્મુ-કાશ્મીર રાજ્યમાં આવેલી છે. આ સરહદમાંથી ૫૧૨ કિલોમીટરની સરહદ ગુજરાતમાં છે. જો કે જૂન-૨૦૧૭ સુધીમાં આ ૫૧૨ કિલોમીટરની સરહદમાંથી ૨૮૦ કિલોમીટર વિસ્તારમાં જ ફેન્સિંગ એટલે કે વાડ બાંધવામાં આવી છે. બાકીનો ૨૩૨ કિલોમીટર સરહદનો વિસ્તાર ફેન્સિંગ વગરનો હોવાની માહિતી ત્યારે બહાર આવી હતી.
કેન્દ્રીય ગૃહ વિભાગે ૫૧૨ કિલોમીટરની સરહદમાંથી ૩૪૦ કિલોમીટરના પટ્ટામાં ફેન્સિંગ કરવાની કામગીરીને મંજૂરી આપી છે. કેન્દ્રીય ગૃહ વિભાગનું કહેવું છે કે ગુજરાતમાં આવેલી કુલ સરહદમાંથી ૩૪૦ કિ.મી.ની સરહદમાં જ ફેન્સિંગ શક્ય છે કારણ કે બાકીનો વિસ્તાર જળપ્લાવિત છે.
આ વિસ્તારોમાં ટેકનોલોજીકલ ઉપકરણો મૂકી ત્યાં સરહદ સ્થાપિત કરતા અવરોધો મૂકી શકાય છે. જો કે છતાં પણ હાલ આ વિસ્તારોમાં ફેન્સિંગની કામગીરી ચાલી રહી છે. મંજૂરી પામેલા તમામ વિસ્તારોમાં વર્ષ ૨૦૧૮ના ડિસેમ્બર મહિના સુધીમાં ફેન્સિંગ પૂર્ણ થશે. ખૂલ્લી સરહદના કારણે દર વર્ષે પાકિસ્તાનમાંથી અહીં ઘૂસણખોરો આવતા રહે છે.