ભુજઃ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સહિત પ્રતિનિધિ મંડળ ઉઝબેકિસ્તાનના પ્રવાસે ગયું હતું ત્યારે આપેલા આમંત્રણના પગલે ઉઝબેકિસ્તાનનું એક પ્રતિનિધિમંડળ તાજેતરમાં કચ્છની મુલાકાતે આવ્યું હતું. ઉઝબેકિસ્તાનના નાયબ કૃષિ પ્રધાન સહિતના પ્રતિનિધિઓએ કચ્છની ખેતીને એકીઅવાજે વખાણી હતી.
ઉઝબેકિસ્તાનનું ડેલિગેશન કચ્છ આવ્યું ત્યારે ગુજરાતના ઊર્જા પ્રધાન સૌરભ પટેલ, રાજ્ય પ્રધાન વાસણભાઈ આહીર તેમની સાથે રહ્યા હતા. ઉઝબેક પ્રતિનિધિ મંડળના વડા અને ત્યાંની ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ અદખામ ઈકરામોવે કહ્યું હતું કે, કચ્છના પ્રયોગશીલ કિસાનો અમારા દેશના ખેડૂતોને ખેતી કરતા શીખવે તે અમારી ઈચ્છા છે. કચ્છની ખેતીથી પ્રભાવિત થઈ ગયેલા ઉઝબેક પ્રતિનિધિમંડળે એકમેકને કહ્યું હતું કે, કચ્છ ખરેખર કમાલ છે. આપણે કચ્છ પાસેથી ખેતીના પાઠ ભણવા જોઈએ.
આશાપુરા ફાર્મના સૂત્રધાર અને પ્રયોગશીલ કિસાન અગ્રણી હરેશભાઈ મોરારજી ઠક્કરના પરિવારે ઉઝબેકિસ્તાનના પ્રતિનિધિ મંડળનું સ્વાગત કરતાં રેલડી સ્થિત ફાર્મમાં ગોઠવેલી એગ્રીકલ્ચર ઓટોમેશન સિસ્ટમ, દાડમ, ડ્રેગન ફ્રૂટ, લીંબુ, કાકડી, બ્રોકોલી વગેરે પાકોના વાવેતર, માવજત સહિતની જાણકારી પૂરી પાડી હતી. ઉઝબેકિસ્તાનના નાયબ કૃષિ પ્રધાન સઈદકમોલ ખોદજાએવે જણાવ્યું હતું કે, વિવિધ કૃષિપેદાશોની નિકાસ વધારીને વિદેશી હૂંડિયામણ કમાવાના મારા પ્રયાસોને પ્રોત્સાહન આપવા કચ્છના કિસાનોને મદદરૂપ થવાની અપીલ છે. ઉઝબેક રાષ્ટ્રપતિના પ્રશાસનની કારોબારી કચેરીના મુખ્ય સલાહકાર વાલી જોન ખોશી મોવ, ચેમ્બર ઓફ કોમર્સના એક વિભાગના પ્રમુખ ઓલેગ રીજીચેન્કો ઊર્જા મંત્રાલયના વિભાગના વડા અદખામજોન ઉબયદુલ્લેવ, ભારતમાં ઉઝબેક રાજદૂત ફરદોહ અરઝીએવ સહિત છ સભ્યોના પ્રતિનિધિ મંડળે રણપ્રદેશની ખેતીના વખાણ
કર્યા હતા.