ભૂજઃ પાકિસ્તાનના કુખ્યાત અને મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ લખવીને તાજેતરમાં જ લાહોર જેલમાંથી મુકત કરવામાં આવતાં ભારતમાં આતંકવાદી હુમલાની દહેશત વધી છે અને ગુપ્તચર એજન્સીઓએ ગુજરાતને વિશેષ તકેદારી રાખવા જણાવ્યું છે. આ સ્થિતિની વચ્ચે કેન્દ્રના ગૃહરાજ્ય પ્રધાન હરિભાઇ ચૌધરીએ કચ્છ સરહદની મુલાકાત લેતાં સુરક્ષાતંત્ર વધુ કાર્યરત બન્યું છે. હરિભાઇ ચૌધરીએ કચ્છ-બનાસકાંઠાની પાકિસ્તાન સરહદને વધુ સુદ્રઢ બનાવવા માટે અંદાજે રૂ. ૫૦૦ કરોડનો ખર્ચ કરવાની જાહેરાત કરી હતી. આ નાણા સૈન્યના રસ્તા તથા દરિયામાં ક્રીકમાં પેટ્રોલિંગ માટે એટીવી વાહન સહિતના ક્ષેત્ર માટે ખર્ચાશે.
આતંકી હુમલાનો ભય
કચ્છની બે દિવસીય મુલાકાતે આવેલા કેન્દ્ર સરકારના ગૃહ રાજ્ય પ્રધાન હરિભાઈ ચૌધરીએ કચ્છના અતિ સંવેદનશીલ મનાતા હરામીનાળા સહિતની ક્રીક અને દરિયાઈ માર્ગેથી દેશ પર હુમલો થવાની ભીતિના પગલે આ વિસ્તારની મુલાકાત લીધી હતી. અહીંની દરિયાની અટપટી ખાડીઓમાંથી અવારનવાર પાકિસ્તાની માછીમારો પકડાતા હોવાનો સીમા સુરક્ષા દળે અહેવાલ રજૂ કર્યો છે.