અમદાવાદઃ કચ્છના સરક્રિક વિસ્તારમાં તૈનાત BSFની એક બટાલિયનના બે જવાને પાકિસ્તાની યુવતીની ‘હની ટ્રેપ’માં ફસાઈને ISI માટે જાસૂસી કર્યાનો ઘટસ્ફોટ થયો છે. ભારતની અનેક સંવેદનશીલ માહિતી પાકિસ્તાન પહોંચતી કરી હોવાની શંકાથી બન્નેની પૂછપરછ શરૂ કરાઈ છે. હાલમાં જ કચ્છથી અન્ય રાજ્યમાં મૂવ કરાયેલી બટાલિયનના બન્ને જવાનોને કચ્છમાં જ રોકી રાખી તેમની તપાસ ચાલી રહી હોવાના અહેવાલ છે.
આ બન્ને પૈકી એક જવાન કોન્સ્ટેબલ છે અને અગાઉ તે ફેસબુક દ્વારા પાકિસ્તાની યુવતીના અને ત્યાર બાદ પશ્ચિમ બંગાળની એક યુવતીના સંપર્કમાં હતો. લાંબા સમયથી તેમના પર વોચ રખાતાં ઘટસ્ફોટ થયો હતો કે, આ કોન્સ્ટેબલના બેન્ક એકાઉન્ટમાં પાછલા ત્રણ વર્ષમાં તેની આવક કરતાં વધુ રૂપિયા જમા થયા છે. આ શંકાથી તપાસ કરતાં તેની પાસેથી ૧૫થી વધુ સીમકાર્ડ અને BSFનું એક ઉચ્ચ અધિકારીઓ જ ઓપરેટ કરતા હોય તેવું ‘કોમન’ ઈ-મેઈલ ID અને તેનો પાસવર્ડ પણ મળી આવ્યાં છે. જ્યારે, બીજો જવાન બી.એસ.એફની મેડિકલ સર્વિસીસ સાથે જોડાયેલો છે જેના મોબાઈલથી પણ કેટલીકવાર પાકિસ્તાન ફોન થયાનું પણ એક રિપોર્ટમાં છે. ઉચ્ચ અધિકારીઓનું કહેવું છે કે, આ બન્ને જવાન વિરુદ્ધ ટૂંક સમયમાં કાર્યવાહી થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે કોન્સ્ટેબલે સાથીને ISIના હાથે મરાવી નાંખવા ધમકી આપતાં તેની તપાસ શરૂ થઈ હતી અને તેનો ભાંડો ફૂટી ગયો હતો. આ જવાન પોતાની પત્ની સાથે જ ક્રિકમાં રહે છે.