ભુજ: કચ્છ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ અર્થ એન્ડ એન્વાર્યમેન્ટલ સાયન્સના જિયોલોજીના પ્રાધ્યાપક ડો. સુભાષ ભંડારીના માર્ગદર્શન હેઠળ પશ્ચિમ કચ્છના ક્લાઈમેટ અને સમુદ્ર સપાટીના ફેરફારો અંગે પીએચ.ડી. કરી રહેલી માધવી ડાભીને ઈન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સની સાયન્ટિફિક કમિટી ઓન ઓસન રિસર્ચ દ્વારા કોલંબિયા યુનિવર્સિટીમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભાગ લેવા રૂ. બે લાખનું સંપૂર્ણ અનુદાન મળ્યું હતું.
૧૪ જુલાઈથી ૨૧ જુલાઈ દરમિયાન ન્યૂ યોર્કની કોલંબિયા યુનિ.માં યોજાયેલી વીસીઆરપી/આઈઓસી કોન્ફરન્સ ઓન રિજનલ સી લેવલ ચેન્જિસ એન્ડ કોસ્ટલ ઇમ્પેક્ટમાં પોતાનું સંશોધનપત્ર રજૂ કરવા માધવી ડાભી યુએસએમાં હતી. સામાન્ય રીતે આ પ્રકારની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ માટે વૈજ્ઞાનિકોને અમુક હિસ્સામાં અનુદાન પ્રાપ્ત થતું હોય છે અને ભારતીય અનુદાન સંસ્થાઓ પણ અંશત: અનુદાન કરતી હોય છે. જોકે માધવી ડાભીને અમેરિકાની પ્રમુખ વિજ્ઞાન અનુદાન સંસ્થા-નેશનલ સાયન્સ ફાઉન્ડેશન દ્વારા રૂ. બે લાખની રકમ અપાઈ હતી.