ભુજઃ જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી ૩૭૦ કલમને નાબૂદ કરાતાં ગિન્નાયેલા પાકિસ્તાને ભારત સાથે રાજદ્વારી સંબંધોની સાથે વ્યાપાર સંબંધ પણ કાપી નાંખતા ભારતથી પાકિસ્તાન જતી ચીજવસ્તુઓની નિકાસ ઠપ થઇ જશે. આ પગલાંની અસર કચ્છમાંથી પાકિસ્તાન પર નિકાસ થતી કૃષિચીજો ઉપર પણ પડવાની શક્યતા નિકાસકારો જણાવી રહ્યા છે.
કચ્છના મુંદરા-કંડલા પોર્ટ ઉપરથી પાકિસ્તાન રવાના થતી ખાસ ચીજોમાં મગફળી, ધાણાં, તલ જીરુ વગેરે મુખ્ય છે. આ ખેતપેદાશોની નિકાસ અટકી જશે તેવું જાણીતા નિકાસકાર વિપિનભાઇ ઠક્કર અને હિશલ શાહે જણાવ્યું હતું કે, વર્ષ દરમિયાન મગફળી, જીરું, ધાણાના ૧૦૦-૧૦૦ કન્ટેનર તેમજ તલના પણ અમુક કન્ટેનરની નિકાસ કરવામાં આવે છે. એક કન્ટેનરમાં અંદાજિત ૨૭ ટન જેટલો માલ હોય છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હવે ત્યાંથી આયાત થતો માલ અહીં મોંઘો પડે છે કારણ કે પુલવામાના હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાની માલ ઉપર આયાત જકાતમાં ૨૦૦ ટકાનો વધારો કર્યો છે. આમ છેલ્લા થોડાક સમયથી ત્યાંથી આયાત ઘટી ગઇ છે. વળી, અફઘાનિસ્તાનથી આયાત થતો માલ વાયા પાકિસ્તાન થઇને આવતો હતો, જે હવે વાયા ઇરાક થઇને ભારત પહોંચશે જેથી પડતર વધુ મોંઘી થવાની હોવાથી પાકિસ્તાનથી આયાત થતી ચીજવસ્તુના ભાવ ઊંચકાશે તેવી શક્યતા વ્યકત કરી હતી.