ભૂજ:કચ્છ-મુંબઈને જોડતી વિમાની સેવામાં ઉંચા ભાડાથી કચ્છી સમુદાયમાં ભારે નારાજગી સાથે આક્રોશની લાગણી પ્રવર્તે છે. વેપાર - પ્રવાસન માટે જાણીતા કચ્છમાં જવા તાજેતરમાં એક ઉદ્યોગપતિએ મુંબઈ-ભૂજની એર ટિકિટ બુક કરવા પ્રયત્ન કર્યો તો સિંગલ રૂટ ટ્રાવેલ ટિકિટનો દર રૂ. ૧૮ હજાર હતો. એ પછી તપાસ કરતાં જણાયું કે સપ્તાહમાં ત્રણ દિવસ ચાલતી એર ઈન્ડિયાની ફ્લાઈટનો ટિકિટ દર પણ દેશની અન્ય રૂટની હવાઈ સેવા કરતાં ઊંચો હતો. ઉલ્લેખનીય છે કે કચ્છ દેશી વિદેશી, એનઆરઆઈઓનું વતન કે આકર્ષણ હોવાથી આ રૂટની વિમાની સેવા સારો નફો કરે છે. એટલે જ વિમાની કંપનીઓએ ટિકિટના દર સ્લેબમાં અને મોંઘા રાખ્યાં છે. વળી, કચ્છ માટે ઓછા દરની સીટની સંખ્યા જૂજ હોવાથી લોકોએ મોંઘા ભાડાં ચૂકવવા પડે છે. જેટ એરવેઝની મુંબઈ-કચ્છ ફ્લાઈટ દિવસમાં બે વખત અને એર ઈન્ડિયાની આ જ રૂટની ફ્લાઈટ સપ્તાહમાં ત્રણ દિવસ ચાલે છે. આ સિવાય રોજ સ્પાઈસ જેટનું વિમાન કંડલા આવાગમન કરે છે. કચ્છ માટે વિમાની સેવા સો ટકા સુવિધાજનક છે, પરંતુ સેવાની સગવડ સાથે સાથે તે મોંઘી હોવાનો પ્રશ્ન પ્રવાસીઓને સતાવે છે.