ભુજઃ અમેરિકન કંપની સ્પેસ એક્સ દ્વારા ગયા સપ્તાહે ફ્લોરિડાથી પ્રક્ષેપિત કરાયેલા ૬૦ જેટલા સેટેલાઇટ્સની ચમકતી હારમાળા ૧૫ નવેમ્બરે રણકાંધીના પટ્ટાના આકાશમાં જોવા મળી હતી. રણકાંધીના ધોરડો, ખાવડાથી લઈ ભચાઉના ચોબારી સુધીના પટ્ટામાં આ ચમકતી હારમાળા દેખાતાં લોકોમાં કુતૂહલ વ્યાપી ગયું હતું. ઉલ્લેખનીય છે કે આ સેટેલાઇટ્સ ૧૧ નવેમ્બરે અંતરિક્ષમાં તરતા મૂકાયા હતા.
કચ્છ એસ્ટ્રોનોમી ક્લબના નરેન્દ્ર ગોરને ટાંકીને એક સ્થાનિક અખબારમાં જણાવાયું હતું કે સાંજે ૭.૨૯ મિનિટથી લઈ ૭.૩૨ના અરસામાં આ સ્ટારલિન્ક ટ્રેન વાયવ્ય ખૂણેથી દક્ષિણ દિશા તરફ જતી દેખાઈ હતી. સ્પેસ એક્સ નામની કંપની દ્વારા ૧૧ નવેમ્બરે ફ્લોરિડાના એરફોર્સ સ્ટેશનથી આ ૬૦ સેટેલાઇટ્સ ફાલ્કન રોકેટની મદદથી એકસાથે લોન્ચ કરવામાં આવ્યા હતા. આ પૂર્વે ગત ૨૬ મેની રાત્રે પણ આ વિસ્તારોમાં સ્ટારલિન્ક ટ્રેનનો નજારો જોવા મળ્યો હતો.
અમેરિકન કંપની સ્પેસ X દ્વારા ૨૦૧૫માં સ્ટારલિન્ક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનો આશય આકાશમાં સેંકડો સેટેલાઇટ્સનું નક્ષત્ર રચીને ગ્લોબલ સેટેલાઇટ બ્રોડબેન્ડ નેટવર્ક સ્થાપવાનો છે. આ પ્રોજેક્ટને ઇન્ટરનેટ ઓફ ફ્યુચર તરીકે ઓળખવામાં આવે છે. આ માટે કંપની દ્વારા હજારો સેટેલાઇટ્સ ‘વેરી લો અર્થ ઓર્બિટ’થી લઈને પૃથ્વીની અલગ-અલગ ભ્રમણકક્ષામાં તરતા મૂકવામાં આવશે, તેના ભાગરૂપે જ આ સેટેલાઇટ્સ અંતરિક્ષમાં તરતા મૂકાયા છે.