અમદાવાદઃ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આત્મઘાતી આતંકી હુમલા પછી પાકિસ્તાન સાથે જોડાયેલો સરહદી કચ્છ દરિયાકાંઠો ચર્ચામાં છે.
કચ્છના કુલ ૪૧૬ કિમીના દરિયાકાંઠામાંથી ર૩૮ કિ.મી.નો દરિયાકાંઠો પાકિસ્તાન સાથે જોડાયેલો છે. કચ્છની દરિયાઈ સીમાએ આમ તો બીએસએફ સહિતની કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ કાર્યરત છે, પરંતુ જેની મહત્ત્વની ભૂમિકા છે તેવો રાજ્યનો પોલીસ વિભાગ આ મામલે બેફિકર ભાસે છે. રાજ્ય સરકારે કચ્છમાં ચાર મરીન પોલીસમથકની સ્થાપના કરી છે, પણ આ મરીન પોલીસમથકોમાં પૂરતી સુવિધા આજ સુધી આપી નથી.
ચારેય મરીન પોલીસમથકોનો તાગ કાઢતા એવી હાલત બહાર આવી છે કે, માંડવી મરીન પોલીસમથકમાં તો પેટ્રોલિંગ માટે બોટ જ નથી. ભાડે બોટ રાખીને પેટ્રોલિંગ કરવું પડે છે! જ્યારે મુંદ્રા મરીન પોલીસમથકમાં બે બોટ છે, પરંતુ તેમાંથી એક જ બોટ કાર્યરત છે. વળી, ચર્ચા છે કે ડીઝલનું મોટું બિલ બાકી હોવાથી ડીઝલનો જથ્થો પોલીસને મળતો નથી. આ ઉપરાંત બોટ ચલાવવા માટે ક્રૂ મેમ્બર્સ પણ પૂરતા નથી.
કંડલા મરીન પોલીસમથકમાં ફક્ત એક જ બોટ દ્વારા ગાડું ગબડાવવામાં આવે છે. જખૌના મરીન પોલીસમથકમાં સ્ટાફની અછત અને ડીઝલના અભાવે વારંવાર દિવસો સુધી પેટ્રોલિંગ થતું નથી.
આમ એકંદરે ચારેય પોલીસમથકો અદ્યતન સાધન-સામગ્રી કે સ્ટાફથી સજ્જ નથી.