ભુજઃ જખૌના દરિયામાંથી ૨૧મી મેએ ‘અલમદિના’ બોટમાંથી રૂ. એક હજાર કરોડનું ડ્રગ્સ પકડાયા બાદ ૨૮મી મેએ લખપતના મેડી બંદર નજીકથી પણ રૂ. ૧૦ કરોડના ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. પશ્ચિમ કચ્છ પોલીસની સ્પે. ઓપરેશન ટીમે બાતમીના આધારે મેડી બંદર નજીક સેઠવારી બેટ પાસેથી ડ્રગ્સના ત્રણ પેકેટ કબજે કર્યાં હતા. આ ત્રણ પેકેટમાં અંદાજિત રૂ. ૧૦ કરોડ કરતાં વધુની કિંમતનું અઢી કિલોથી વધુ ડ્રગ્સ હોવાનું કહેવાય છે.
નોંધનીય છે કે જખૌના દરિયામાંથી મળેલા રૂ. ૧૦ કરોડના ડ્રગ્સના જથ્થાના કેસમાં ‘અલમદિના’ બોટના કરાચીના ટંડેલની પૂછપરછમાં ટંડેલે કહ્યું કે, ડ્રગ્સનો કેટલોક જથ્થો દરિયામાં ફેંકી દીધો હતો. આ પછી એજન્સીઓએ દરિયાઈ વિસ્તારમાં ડ્રગ્સની શોધખોળ આદરી છે.
૧૫૦થી વધુ જવાનો દ્વારા તપાસ
કચ્છ બોર્ડર રેન્જ આઈજી અને ઈન્ચાર્જ એસપીના માર્ગદર્શનમાં નખત્રાણા ડીવાયએસપીની આગેવાની હેઠળ રવિવારે વહેલી સવારે ૭:૩૦ વાગ્યાથી મેગા સર્ચ ઓપરેશન શરૂ થયું હતું. આ ઓપરેશનમાં કોસ્ટગાર્ડ, બીએસએફ અને મરીન તેમજ સ્થાનિક પોલીસના જવાનો મળીને કુલ ૧૫૦થી વધુ જવાનો જોડાયા હતા. બપોરે ૩:૩૦ વાગ્યા સુધી ચાલેલા ઓપરેશનમાં જુદી-જુદી ૧૨ ટીમ કચ્છના દરિયાઈ વિસ્તારને ખુંદી વળી હતી, પરંતુ વાતાવરણ અનુકુળ ન હોવાથી કેટલીક ભયજનક જગ્યાએ જવામાં ટીમને મુશ્કેલી આવી હતી. અમાસે (સોમવારે) દરિયામાં જવાની મનાઈ હોય છે તેથી આ ઓપરેશન રવિવાર પૂરતું રાખીને ઈદ બાદ ફરી યોજાશે તેવું પણ અધિકારીઓએ જણાવ્યું હતું.
ટંડેલની કબુલાત
‘અલમદિના’ના ટંડેલ સફદરઅલી શેખે દરિયાઈ સુરક્ષા એજન્સીઓ પાસે કબુલાત કરી હતી કે, ૨૧મી મેએ ૧૯૪ પેકેટ મળી આવ્યા પૂર્વે ૧૩૫ જેટલા પેકેટ દરિયામાં નાંખી દેવાયા હતા. ટંડેલની કબુલાત પછી એજન્સીઓએ રવિવાર સુધીમાં ત્રણેક દિવસ દરિયામાં શોધખોળ કરી તો પેકેટ્સ મળ્યા પણ ખરા.
કોટેશ્વરથી સી બોર્ડર સુધી સર્ચ ઓપરેશન
મેગા ઓપરેશન કોટેશ્વરથી લકીક્રીક અને સી બોર્ડર સહિતના વિસ્તારોમાં કરાયું હતું. ઓપરેશનમાં દરેક ટીમમાં એક પીએસઆઈ તથા બીએસએફ અને કોસ્ટગાર્ડના જવાનોને સામેલ કરાયા હતા. ઓપરેશન વખતે દરેક બોટમાં એક પીએસઆઈ સાથે એક ટીમ રવાના થઈ હતી. આ ઉપરાંત બીએસએફની સ્પીડ બોટ અને અન્ય બોટ પણ સામેલ કરાઈ હતી. ઓપરેશનમાં કુલ ૧૨ ટીમ સામેલ હતી જેમાં એક ટીમમાં ૮ સભ્યો હતા. સુરક્ષા એજન્સીઓએ કહ્યું છે કે જ્યાં સુધી જંગી જથ્થો મળી ન રહે ત્યાં સુધી ઓપરેશન ચાલુ રહેશે.