ભુજ: કચ્છ નજીક આંતરરાષ્ટ્રીય જળસીમામાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી) તથા નેવલ ઇન્ટેલિજન્સ યુનિટે (એનઆઇયુ) એક જોઇન્ટ ઓપરેશનમાં ભારતમાં ઘુસાડાઇ રહેલું રૂ. ૨૦૦૦ કરોડનું ડ્રગ્સ ઝડપી લઇને સાતથી આઠ લોકોની ધરપકડ કરી છે. સુરક્ષા એજન્સીઓએ ઝડપેલી બોટમાંથી ૫૨૯ કિલો હશીશ (ચરસ), ૨૩૪ કિલો ક્રિસ્ટલ મેથામ્ફેટામાઇન અને ૧૩ કિલો હેરોઈનનો જથ્થો જપ્ત કર્યો છે. ચાલુ વર્ષમાં પકડાયેલો ડ્રગ્સનો આ સૌથી મોટો જથ્થો છે. નશીલા પદાર્થોનો આ જથ્થો પાકિસ્તાન-સ્થિત ડ્રગ માફિયાની માલિકીનો હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે. બોટમાંથી ઝડપાયેલા શખસોમાં બે ઇરાની જ્યારે બાકીના પાકિસ્તાની હોવાનું મનાય છે.
આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમામાં ડ્રગ્સની હેરાફેરી થઇ રહી હોવાના ઇનપુટ સૌપ્રથમ એનસીબીને મળ્યા હતા.
આ પછી તેણે નેવલ ઇન્ટેલિજન્સ યુનિટનો સંપર્ક કરીને બાતમી પહોંચાડી હતી. બાદમાં જોઇન્ટ ઓપરેશનને સફળ બનાવવામાં આવ્યું હતું.
આ બોટ પાકિસ્તાનથી આવી હતી અને ગુજરાતના દરિયાકાંઠે ડ્રગ્સનો જથ્થો ઉતારી પાછી ફરી રહી હતી ત્યારે જ એનસીબી અને નેવીની ટીમ ત્રાટકી હતી અને તેને મુદ્દામાલ સાથે ઝડપી લેવાયું હતું. આ જ્થ્થો લેવા પોરબંદરના સ્થાનિક ડ્રગ્સ માફિયા જવાના હોવાની માહિતી પણ એનસીબીને મળી હતી.
પાકિસ્તાની માફિયાની ખેપ
અરબી સમુદ્રમાં મોટું ઓપરેશન પાર પાડીને એનસીબી અને નેવીની ટીમે ઝડપેલું ૨૦૦૦ કરોડ રૂપિયાની કિંમતના નશીલા પદાર્થો પાકિસ્તાની ડ્રગ માફિયાના હોવાનું બહાર આવ્યું છે. ડ્રગ્સનો આ જથ્થો શ્રીલંકા પહોંચાડવાનો હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. હાલ દુબઈમાં વસતા પાકિસ્તાનના ડ્રગ્સ માફિયાએ અફઘાનિસ્તાનમાં ઉત્પાદિત અને ઈરાનમાં રિફાઈન્ડ કરાયેલા ડ્રગ્સનો વિશાળ જથ્થો રવાના કર્યો હતો. વેસલમાંથી સાતથી આઠ શખ્સો પકડાયા છે તેમાં બે ઈરાની અને અન્ય પાકિસ્તાની હોવાની પ્રાથમિક વિગતો વચ્ચે પોરબંદરમાં વધુ તપાસ ચાલી રહી છે.
અરબી સમુદ્રમાં નશીલા પદાર્થનો મોટો જથ્થો આંતરરાષ્ટ્રીય જળસીમામાંથી પકડાયાનો પ્રથમ કિસ્સો બન્યો છે. સુરક્ષા દળોને મળેલા ઈનપુટના આધારે એનસીબીની ટીમને સાથે રાખીને મધદરિયે ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. ભારતના એક્સક્લુઝિવ ઈકોનોમિક ઝોનથી થોડે દૂર અને ભારતીય જળકાંઠાથી ૨૦૦ માઈલ દૂર મધદરિયે ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.
કચ્છમાં ડ્રગ્સનો જથ્થો પકડાવાની ઘટના
મુન્દ્રા પોર્ટ પરથી ૨૧ હજાર કરોડ રૂપિયા કરતાં વધુ રકમનું હેરોઈન પકડાયા પૂર્વે અને ત્યારબાદ સમયાતરે કચ્છમાંથી કસ્ટમ, એટીએસ, બીએસઓફ અને પોલીસ કોસ્ટગાર્ડ સહિત તમામ એજન્સીઓ બાઝ નજર રાખી રહી છે. આ દરમિયાનમાં કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાંથી ડ્રગ્સના જથ્થો પકડાતાં રહ્યાં છે. નોંધનીય છે કે, ગુજરાત એટીએસ દ્વારા ઓગસ્ટ ૨૦૧૮થી ડિસેમ્બર ૨૦૨૧ દરમિયાન દરિયાઈ માર્ગે થતી પ્રતિબંધિત માદક પદાર્થોની હેરાફેરી અટકાવી આશરે રૂ. ૪૬૦૦ કરોડનું ડ્રગ્સ પકડ્યું છે. તો બીજી તરફે અઢી વર્ષમાં સમયાંતરે કચ્છના કાંઠાળ વિસ્તારમાંથી અલગ અલગ એજન્સીઓએ અંદાજિત ૧૫૫૨ કિલો જેટલો હશીશ (ચરસ)નો જથ્થો કબજે કર્યો છે.
કચ્છનો દરિયાકાંઠો અને ડ્રગ્સની હેરાફેરી
• ૨૦૧૭માં ગુજરાતના દરિયામાંથી ૧૫૦૦ કિલો હેરોઈન જપ્ત કરાયું
• ૨૦૧૮માં એટીએસની તપાસમાં ૧૦૦ કિલો હેરોઈન ઝડપાયું
• ૨૦૧૯માં ૧૦૦ કિલો હેરોઇન લાવતા ૯ ઇરાની નાગરિકો પકડાયા
• ૨૦૨૦માં રૂ. ૧૭૫ કરોડના હેરોઈન પાંચ પાક. માછીમાર ઝડપાયા
• એપ્રિલ ૨૦૨૧માં રૂ. ૧૫૦ કરોડના હેરોઈન સાથે ૮ પાકિસ્તાની ઝડપાયા
• સપ્ટેમ્બર ૨૦૨૧ના મુન્દ્રા પોર્ટ પરથી રૂ. ૨૧ હજાર કરોડનું હેરોઈન ઝડપાયું